માનવતા મરી પરવારી! અમદાવાદ સિવિલમાં સારવાર દરમિયાન 'માતા-પિતા' બાળકને ત્યજીને જતાં રહ્યા
Ahmedabad Civil Hospital News : માનવતા મરી પરિવારી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં નિકોલમાં રહેતા દંપતિએ સિવિલ હોસ્પિટલમાં કાચની પેટીમાં તાજુ જન્મેલું બાળક ત્યજી દીધું હતું. કમનસીબે બાળકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. આ બનાવ અંગે નિકોલ પોલીસે મૃતક બાળકના માતા-પિતા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
નિકોલ પોલીસે નિકોલ વિસ્તારમાં પાવર હાઉસ પાસે રહેતા પિતા અને માતા સામે ફરિયાદ નોંધી છે કે દંપતિ તા 16 ના રોજ પોતાના ચાર દિવસના બાળકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈને આવ્યા હતા. નવજાત શિશુની તબિયત વધુ ખરાબ હોવાથી હોસ્પિટલના ડોકટરોએ બાળકને કાચની પેટીમાં રાખવાનો નિર્ણય કર્યો હતો.
1200 બેડની હોસ્પિટલમા એન.આઇ.સી.યું વોર્ડમાં કાચની પેટીમાં બાળકની સારવાર ચાલી રહી હતી. ત્યારબાદ તા 23ના રોજ કમનસીબે બાળકનું મોત થતાં એરેરાટી વ્યાપી જવા પામી હતી. માસૂમ બાળકના મોતને લઇને ડોક્ટરો પણ એક તકબ્બે અચંબામાં મૂકાયા હતા અને વાલી વારસની શોધખોળ હાથ ધરી હતી. તપાસ કરતા બાળકને મૂકીને ગયા બાદ એક સપ્તાહ સુધી માતા-પિતા એકપણ વખત હોસ્પિટલમાં આવ્યા ન હતા.
હોસ્પિટલ સત્તાધીશો બાળકને બિનવારસી દર્દી જાહેર કરીને તેની સારવાર કરી રહ્યા હતા. આ ઘટના અંગે સિવિલ હોસ્પિટલ તરફથી પોલીસને બાળકના મોત અંગેની જાણ કરવામાં આવી હતી. નિકોલ પોલીસે બાળકની સાર સંભાળ નહી રાખવા બદલ માતા-પિતા સામે ગુનો નાંેધી વધુ તપાસ હાથ ધરી છે.