Gujarat

બાબાજીપરામાં વણકર સમાજના મોક્ષધામ જવાનો રસ્તો બિસ્માર બનતા હાલાકી

By GS TEAM
18 Oct 20251 min read
બાબાજીપરામાં વણકર સમાજના મોક્ષધામ જવાનો રસ્તો બિસ્માર બનતા હાલાકી

- તંત્રને વારંવાર રજૂઆત છતાં ઉકેલ ન આવતા લોકોમાં રોષ 

- રસ્તા પર ગંદા પાણી ભરાયેલા રહેતા ડાઘુઓ ખેતરના રસ્તા પરથી ડાઘુઓ અંતિમયાત્રા કાઢવા મજબૂર

લખતર : લખતર તાલુકાના બાબાજીપરા ગામમાં વણકર સમાજના મોક્ષધામ તરફ જવાનો રસ્તો બિસ્માર બની જતા હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. રસ્તા પર ગંદા પાણી ભરાયેલા રહેતા ડાઘુઓ ખેતરના રસ્તા પરથી ડાઘુઓ અંતિમયાત્રા કાઢવા મજબૂર બન્યા છે.

બાબાજીપરા ગામના છેવાડાના વિસ્તારમાં આવેલા વણકર સમાજના લોકોના મોક્ષધામ તરફ જવાનો રસ્તો છેલ્લા ઘણા સમયથી બિસ્માર તેમજ ઉબડ ખાબડ બની જતા સમાજના લોકોને અંતિમયાત્રા કાઢવામાં હાલાકી પડી રહીં છે. આ રસ્તા પર વરસાદ હોય કે ન હોય છતાંય ગંદા પાણીથી ભરાયેલા હોય છે. તાજેતરમાં ગામમાં રહેતા એક પરિવારના સભ્યનું અવસાન થતાં મોક્ષધામ તરફના બિસ્માર રસ્તાના કારણે અંતિમયાત્રા ખેતરના રસ્તા પરથી પસાર કરવાનો વારો આવ્યો હતો. તેમજ આ અંગેનો વીડિયો પણ મૃતકના પરિવારજને સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ કરી તંત્રને જાગૃત કરવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આ અંગે સમાજના આગેવાનો અને રહીશોએ અનેક વખત સ્થાનિક તંત્ર સહિત રાજકીય આગેવાનોને રજૂઆત કરવા છતાં કોઈ જ ઉકેલ નહી આવતા લોકોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે અને તાત્કાલિક મોક્ષધામના બિસ્માર રસ્તાનું રિપેરિંગ કામ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.