Gujarat

શેરબજારમાં રોકાણના નામે સલૂનના સંચાલક સાથે ૩.૭૧ લાખની છેતરપિંડી

By GS TEAM
4 Nov 20252 mins read
શેરબજારમાં રોકાણના નામે સલૂનના સંચાલક સાથે ૩.૭૧ લાખની છેતરપિંડી

દુકાને આવતા ગ્રાહકે વિશ્વાસ કેળવીને

રાયસણના શેર બ્રોકરે કોઈપણ જાતનું એકાઉન્ટ નહીં ખોલીને રૃપિયા પડાવી લીધા ઃ ઈન્ફોસિટી પોલીસની તપાસ

 ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક સરગાસણમાં સલૂનની દુકાન ચલાવતા સેક્ટર-૧૩ના રહીશને દુકાને આવતા ગ્રાહકે શેર બજારમાં રોકાણની લાલચ આપીને ૩.૭૧ લાખ રૃપિયાની છેતરપિંડી કરી હોવાની ઘટના બહાર આવી છે. જે સંદર્ભે રાયસણમાં રહેતા શખ્સ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

હાલમાં પરિચિત વ્યક્તિઓ દ્વારા જ વિશ્વાસ કેળવીને લાખો કરોડો રૃપિયાની છેતરપિંડી કરવામાં આવતી હોય છે ત્યારે આ વખતે ગાંધીનગર શહેરના સેક્ટર ૧૩- બી પુષ્પક એપાર્ટમેન્ટમાં રહેતા અને સરગાસણ સાર્થક મોલમાં કમલ હેર સ્ટુડિયો ચલાવતા વેપારી કમલભાઈ અમૃતભાઈ કલોલા સાથે છેતરપિંડીની ઘટના બની છે. જે સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે તેમણે ફરિયાદ નોંધાવી હતી કે, તેમની દુકાનમાં છેલ્લા ઘણા સમયથી રાયસણમાં સાર્થક હેવન વસાહત ખાતે રહેતો સુમિત હસમુખભાઈ કલાલ આવતો હતો અને તે શેર બજારમાં ટ્રેડિંગનું કરતો તેમજ પીક્યુબેટ ફાયનાન્સીયલ સર્વીસીસમાં બ્રોકર હોવાનું કહીને તેમાં સારો નફો મળતો હોવાની તેમની સાથે વાત કરતો હતો. એટલું જ નહીં તેણે કમલભાઈને પણ શેર બજારમાં રોકાણ કરવા માટે લાલચ આપી હતી અને તેની સામે સારું એવું વળતર આપવાની બાંહેધરી પણ આપી હતી. જેથી તેના વિશ્વાસમાં આવી ગયેલા કમલભાઈએ ૩.૨૧ લાખ રૃપિયા ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા અને તેમની બહેન વર્ષાબેન રાકેશકુમાર પારેખના પણ ૧ લાખ રૃપિયા જમા કરાવ્યા હતા. કુલ ૪.૨૧ લાખ રૃપિયા જેટલી રકમ આપવામાં આવી હતી પરંતુ જોકે નફા પેટે તબક્કાવાર ૫૦ હજાર રૃપિયા પાછા આપ્યા હતા પરંતુ તેમણે તપાસ કરતા તેમના નામે કોઈ જાતનું રોકાણ કરવામાં નહીં આવ્યું હોવાનું બહાર આવ્યું હતું અને ત્યારબાદ તેને ફોન કરતા ફોન પણ બંધ આવતો હતો. જેથી તેમની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ તથા ઇન્ફોસીટી પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી.