રાજ્યના દરિયા કાંઠાના 9 તાલુકાઓની 37 ટકા જમીનમાં ખારાશ પ્રસરી
સૌથી વધુ ખારાશનું પ્રમાણ દ્વારકાની જમીનમાં : જમીનની ફળદ્રૂપતા પર ગંભીર અસર પડી રહી છે : વડોદરાની એમ.એસ.યુનિ.ના અટલ બિહારી વાજપેઈ ઈન્સ્ટિટયુટ ઓફ પોલિસી રિસર્ચનો અભ્યાસ
વડોદરા/ રાજકોટ : ગુજરાત પાસે દેશનો સૌથી લાંબો દરિયા કિનારો છે.જેના કારણે ગુજરાતને ફાયદો થવાની સાથે સાથે નુકસાન પણ થઈ રહ્યું છે.ગુજરાતના દરિયા કાંઠાના વિસ્તારોમાં અને ખાસ કરીને ઉત્તર સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જમીનમાં ખારાશ( સેલેનિટી)નું અને સોડિયમનું પ્રમાણ વધી રહ્યું છે અને તેના કારણે આ જમીનની ફળદ્રૂપતા ઘટી રહી છે.
MSU ના અટલ બિહારી વાજપેયી ઈન્સ્ટિટયુટ ઓફ પોલિસી રિસર્ચ એન્ડ ઈન્ટરનેશનલ સ્ટડીઝના અભ્યાસમાં ઉપરોકત જાણકારી સામે આવી છે. દરિયા કાંઠાના નવ તાલુકાઓમાં ઈન્સ્ટિટયુટ દ્વારા સ્ટડી કરવામાં આવ્યો હતો અને ગુજરાત સરકારના 2023 થી 2025 વચ્ચેના લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે આ 9 તાલુકામાં ખારાશનું પ્રમાણ દરિયા કાંઠાથી 5 કિલોમીટરની જમીનમાં અત્યંત વધારે છે. કુલ મળીને આ નવ જિલ્લામાં લેવાયેલા સેમ્પલ અનુસાર 63 ટકા જમીન એવી છે જે ખારાશથી મુક્ત રહી છે. આમ 37 ટકા જમીનમાં ખારાશ પ્રસરી છે.
જેમાં દ્વારકા તાલુકામાં 35 ટકા અને પોરબંદર તાલુકામાં 19 ટકા જમીન સેલાઈન છે.સેલાઈન અને સોડિયમ એમ બંનેનું પ્રમાણ વધારે હોય તેવી જમીન સૌથી વધારે દ્વારકા જિલ્લામાં( 30 ટકા) છે.એ પછી કલ્યાણપુર( 25 ટકા) અને પોરબંદર (23.8 ટકા)નો ક્રમ આવે છે. જ્યારે જમીનમાં સોડિયમનું પ્રમાણ સૌથી વધારે(25 ટકા) જામનગર તાલુકામાં જોવા મળ્યું છે.જમીનમાં સેલિનિટી, સોડિયમ, અથવા તો સેલિનિટી તેમજ સોડિયમ એમ બંને સંયુક્ત રીતે પણ હોય તો તે જમીનની ફળદ્રૂપતા માટે મોટો ખતરો છે.
3.17 લાખ હેકટર જમીનમાં ખારાશ ભળી
પ્રો.ધોળકિયાનું કહેવું છે કે, અગાઉ જ્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોની જમીનનો ઈન્સ્ટિટયુટના સંશોધકોએ સર્વે કર્યો હતો અને તે વખતે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, જામનગર, મોરબી જેવા વિસ્તારોમાં અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો.સરકારના 2017ના આંકડા પ્રમાણે આ વિસ્તારોમાં કુલ મળીને 3.71 લાખ હેકટર જમીન ખારાશથી અસરગ્રસ્ત હોવાનું બહાર આવ્યું હતું.