ડીલરોના નામે બોગસ ઓર્ડર કરી 13.90 લાખના 39 મોબાઈલ ફોન લઈ સેલ્સમેન ગાયબ
મોબાઈલ ડિસ્ટ્રીબ્યુટર્સના સેલ્સમેને અલગ અલગ ડીલરોના નામે બોગસ ઓર્ડર થકી રૂ. 13.90 લાખ ઉપરાંતની કિંમતના 39 મોબાઈલ ફોન તથા ચાર્જર લઈ જઈ છેતરપિંડી આચરી હોવાનો બનાવ સયાજીગંજ પોલીસ મથકે નોંધાયો છે.
વડીવાડી સારાભાઈ હાઉસિંગ સોસાયટી ખાતે મોબાઈલ એસેસરીઝના ડિસ્ટ્રીબ્યુટર્સ નીતિનભાઈ જસવાણીએ ફરિયાદ નોંધાવી હતી કે, ચાર વર્ષ અગાઉ અમારી દુકાન ઉપર શ્યામ જ્ઞાનચંદ ચાવલાણી (રહે - લક્ષ એવન્યુ,ખોડીયાર નગર )સેલ્સમેન તરીકે કામ કરતો હતો. વર્ષ 2024 માં શ્યામએ અલગ અલગ ડીલરો (વેપારીઓ)ના નામે મોબાઈલ ઓર્ડર હોવાનું જણાવી રૂ. 13,90,142ની કિંમતના 39 મોબાઈલ ફોન તથા 3 ચાર્જર ડિલિવરી માટે ગયો હતો. અને તે રકમ ઓફિસે જમા ન કરાવી ગોળ ગોળ જવાબ આપી અચાનક રજા પર ઉતરી ગયો હતો. અને પોતે બીમાર હોય નોકરી પર આવે એટલે બિલના નાણા જમા કરાવશે તેવું કહેતો હતો. જેથી તેના ઘરે તપાસ પહોંચતા જાણવા મળ્યું હતું કે, તે ઘર છોડીને જતો રહ્યો છે. તેમજ વેપારીઓ પાસેથી ઉઘરાણી કરતાં તેઓએ આવા કોઈ મોબાઈલ ફોનના ઓર્ડર શ્યામને અથવા અમારી ઓફિસને આપ્યા ન હોવાનું બહાર આવ્યું હતું.