નૂતન વર્ષે શ્રીકષ્ટભંજનદેવને 8 કિલો સોનાના સુવર્ણ વાઘા, સિંહાસને ફૂલનો શણગાર, છપ્પનભોગ અન્નકૂટ ધરાવાયો

Salangpur Hanumanji Temple : યાત્રાધામ સાળંગપુરધામ સ્થિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે દિવાળીના પાવન પર્વ અને વિક્રમ સંવત 2082ના નૂતન વર્ષના શુભારંભ નિમિત્તે દિવ્ય અને ભવ્ય ઉત્સવ ઉજવાયો હતો. પ. પૂ. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા)ની પ્રેરણા અને કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો દાદાના દર્શન કરી નવા વર્ષનો પ્રારંભ કર્યો હતો.
8 કિલો સોનાના વાઘા અને ફૂલનો શણગાર
નૂતન વર્ષ નિમિત્તે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને વિશેષ રૂપે શણગારવામાં આવ્યા હતા. દાદાને શુદ્ધ સોનામાંથી બનેલા 8 કિલો વજનના ભવ્ય સુવર્ણ વાઘા પહેરાવવામાં આવ્યા હતા, જેની અંદાજિત કિંમત 9 કરોડ રૂપિયાથી પણ વધુ છે. આ વાઘા તૈયાર કરવા માટે 2019માં 22 ડિઝાઇનર્સની ટીમ નિયુક્ત કરવામાં આવી હતી અને તેમાં અંજારના હિતેષભાઈ સોનીએ મુખ્ય કામગીરી કરી હતી. રાજકોટ અને જયપુરમાં પણ કારીગરી કરાઈ હતી. 100 જેટલા સોનીઓએ 1050 કલાકની મહેનત બાદ એક વર્ષમાં આ દિવ્ય વાઘા તૈયાર કર્યા હતા. આ ઉપરાંત, દાદાના સિંહાસનને પણ રંગબેરંગી ફૂલોનો મનમોહક શણગાર કરાયો હતો.
અન્નકૂટ અને ભક્તોની ભીડ
આજે સવારે કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા મંગળા આરતી કરવામાં આવી હતી, જ્યારે શણગાર આરતી પ. પૂ. શાસ્ત્રીશ્રી હરિપ્રકાશદાસ સ્વામી દ્વારા સંપન્ન કરાઈ હતી. આરતીનો લ્હાવો લેવા માટે આખું મંદિર પરિસર દાદાના ભક્તોથી હકડેઠઠ ભરાઈ ગયું હતું. નૂતન વર્ષ નિમિત્તે ઠાકોરજી અને દાદાને વિવિધ વાનગીઓ સાથે ભવ્ય છપ્પનભોગ અન્નકૂટ ધરાવાયો હતો, જેની આરતી પ. પૂ. શાસ્ત્રીશ્રી હરિપ્રકાશદાસ સ્વામી-અથાણાવાળા દ્વારા કરવામાં આવી હતી. શ્રી દરબારગઢમાં પણ અન્નકૂટ ધરાવાયો હતો.
નવા વર્ષ માટે પ્રાર્થના
પ. પૂ. શાસ્ત્રીશ્રી હરિપ્રકાશદાસ સ્વામીએ જણાવ્યું હતું કે, દાદાના દરબારમાં 108 મીઠાઈ, 50થી વધુ ફરસાણ અને અનેક પ્રકારના શાકભાજી સાથે દાળભાતનો ભવ્યાતિભવ્ય અન્નકૂટ અર્પણ કરવામાં આવ્યો છે. આ પ્રસાદ દાદાને જમાડીને ભક્તોને વહેંચવામાં આવશે. તેમણે દાદાના ચરણોમાં પ્રાર્થના કરી હતી કે, 'અમારું જૂનું વર્ષ ગમે તેવું ગયું હોય પણ આ નવું વર્ષ આપ સૌને ગમે એવું જાય.' નૂતન વર્ષના પ્રારંભે લાખોની સંખ્યામાં ઉમટેલા ભક્તોએ દાદાના દિવ્ય દર્શન અને સોનાના વાઘાના શણગારના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.