સાળંગપુરમાં કષ્ટભંજનદેવ દેશભક્તિના રંગે રંગાયા, દાદાને તિરંગાનો શણગાર કરાતા ભક્તો ભાવવિભોર
Kashtbhanjandev Temple Salangpur: સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરના સુપ્રસિદ્ધ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરને ભવ્ય રીતે શણગારવામાં આવ્યું. દાદાને તિરંગાના રંગોનો અદ્ભુત શણગાર કરવામાં આવતા ભક્તો ભાવવિભોર થઈ ગયા. મંદિરના પરિસરમાં પણ દેશભક્તિનો માહોલ જોવા મળ્યો, જ્યાં હજારોની સંખ્યામાં ઉપસ્થિત ભક્તોએ 'જય શ્રી રામ' અને 'વંદે માતરમ્' ના નારા લગાવ્યા હતા. દાદાના આ અનોખા સ્વરૂપના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે. આ દિવ્ય શણગાર ધર્મ અને રાષ્ટ્રભક્તિના અદ્ભુત સમન્વયનું પ્રતીક છે.
દાદાના શણગારમાં ભક્તોને 4 કલાકનો સમય લાગ્યો
દાદાના શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, 'શ્રાવણ મહિનાના પવિત્ર શીતળા સાતમ અને સ્વતંત્રતા દિવસના અવસરે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીને 250 કિલોથી વધુ સફેદ ગુલાબ અને ગલગોટાના ફુલ તથા આસોપાલવના પાનથી બનાવેલા તિરંગાની થીમનો શણગાર કરાયો છે. આ ઉપરાંત દાદાને તિરંગાની થીમના વાઘા પહેરાવ્યા છે. આ વાઘા રાજકોટમાં એક ભક્તે એક અઠવાડિયાની મહેનતે બનાવ્યા છે. આ શણગાર કરતા સંતો અને ભક્તોને 4 કલાકનો સમય લાગ્યો હતો. આ ઉપરાંત મંદિર પરિસરમાં તિરંગા ફકરાવામાં આવ્યા છે.'
પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામ દ્વારા અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. જેમાં દિવ્ય શણગાર, દર શનિવારે ફુટ અન્નકૂટ, છપન્ન ભોગ અન્નકૂટ, ચોકલેટ અન્નકૂટ, ડ્રાયફ્રુટ મીઠાઈ અન્નકૂટ જેવા અનેક દિવ્ય અન્નકૂટ અન્નકૂટ ધરવામાં આવે છે. આ ઉપરાંત સવારે અને સાંજે સંગીતમય સુંદરરકાંડ પાઠ, દૈનિક મારુતિ યજ્ઞ, ષોડશોપચાર પૂજન અને મહાસંધ્યા આરતી, રાજોપચાર પૂજન અને મહાસંધ્યા આરતી કરવામાં આવે છે.
શ્રીકૃષ્ણ જન્મોત્સવ, દર સોમવારે શિવ સ્વરૂપ દિવ્ય શણગાર, શ્રી હરિ મંદિરમાં હિંડોળા દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 7થી સાંજે 6 વાગ્યા દરમિયાન શ્રી હનુમાન ચાલીસા પાઠ અનુષ્ઠાન દરરોજ પવિત્ર બ્રાહ્મણો દ્વારા કરવામાં આવે છે.