Salangpur Dham Rangotsav: હોળીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામમાં પૂર્ણિમાના દિવસે (14 માર્ચ) ગુજરાતનો સૌથી મોટો રંગોત્સવ ઉજવાશે. આ રંગોત્સવની વિશેષતાની વાત કરીએ તો દાદાને હોળીના દિવસે વિશેષ શણગાર કરવામાં આવશે. ત્યારબાદ 7 પ્રકારના 51 હજાર કિલો રંગ અર્પણ કરવામાં આવશે. સવારે દાદાને રંગ ધરાવીને ભક્તો પર સંતો દ્વારા રંગોનો છંટકાર કરવામાં આવશે. આ પ્રાકૃતિક સપ્ત ધનુષકના રંગો સીધા ઉદયપુરની ફેક્ટરીમાંથી મંગાવવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ ધંધુકામાં સગીરના રેગિંગ મામલે પીડિતના વાલી વિફર્યા, પોલીસ સ્ટેશનમાં ઘૂસીને કરી બબાલ
મહત્ત્વનું છે કે, સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે યોજાનારા ગુજરાતના સૌથી મોટા રંગોત્સવમાં 11 થી વધુ દેશ સહિત ગુજરાત અને અન્ય રાજ્યના લાખો ભક્તો આવશે. આ માટે મંદિરના સંતો અને ભક્તો દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. મંદિરના સ્વામી સહિત સંતો અને દેશ દુનિયાથી પધારેલા હજારોની સંખ્યામાં આવેલા ભક્તો એક સાથે દાદાના રંગે રંગાશે. હાલ મુખ્ય મંદિર પરિસરને ભવ્ય રીતે ડેકોરેશન કરવામાં આવી રહ્યું છે.
ગુજરાતના સૌથી મોટા રંગોત્સવના આકર્ષણ
- મંદિર પરિસરમાં કલરના 70 થી 80 ફૂટ ઊંચા 500 બ્લાસ્ટ કરાશે.
- 10 હજાર કિલો કલરને એર પ્રેશર મશીન દ્વારા ભક્તો પર ઊડાડવામાં આવશે.
- 100 જેટલા રિબિન બ્લાસ્ટ કરવામાં આવશે.
- ભક્તો દાદાના રંગે રંગાયા બાદ રાસ-ગરબાની રમઝટ બોલાવશે.
- 50 નાસિક ઢોલના સથવારે રંગોત્સવ ઉજવાશે.
- 11થી વધુ દેશના ભક્તો રંગોત્સવમાં ભાગ લેવા આવશે.

આ રંગોત્સવ અંગે વાત કરતાં પૂજારી સ્વામીએ જણાવ્યું કે, હોળી અને ધૂળેટીના દિવસે દાદાને પંચરંગી વાઘા પહેરાવાશે. દાદાની સન્મુખ 10થી 11 પ્રકારના પ્રાકૃતિક રંગ ધરાવાશે અને ફૂલનો અભિષેક કરવામાં આવશે. સવારે 8 થી 11 વાગ્યા સુધી રંગોત્સવ થશે. આ દિવસના વિશેષ વાઘા રાજકોટમાં એક અઠવાડિયાની મહેનતે બનાવવામાં આવ્યા છે. દાદાના દરબારમાં ઐતિહાસિક હોળી ઉત્સવમાં 14 માર્ચ 2025ને (પૂનમ) શુક્રવારના રોજ સવારે 7:30 થી 11:00 કલાક સુધી ચાલશે.


