ભુજ સાક્ષી ખાનીયા હત્યા કેસ: એકતરફી પ્રેમી અને તેના મિત્રને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Bhuj News : ભુજમાં આવેલી સંસ્કાર સ્કૂલ એન્ડ કોલેજમાં અભ્યાસ કરતી 19 વર્ષીય વિદ્યાર્થિની પર ગત 28 ઓગસ્ટ, 2025ના રોજ છરી વડે હુમલો થયો હતો. જેમાં એકતરફી પ્રેમમાં યુવકે વિદ્યાર્થિનીનું ગળુ કાપી હત્યા નીપજાવી હતી. સમગ્ર મામલે ભુજ સેશન્સ કોર્ટે મુખ્ય આરોપી અને મદદગાર યુવકોને આજીવન કારાવાસની સજા ફટકારી છે.
ભુજ સાક્ષી ખાનીયા હત્યા કેસ
મળતી માહિતી મુજબ, ગાંધીધામના ભારતનગરની રહેવાસી 19 વર્ષીય સાક્ષી ખાનીયા સંસ્કાર કોલેજમાં બી.સી.એ.ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી અને ભુજની ભાનુશાલી ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી હતી. ઘટનાના દિવસે એકતરફી પ્રેમમાં મોહિત મુળજીભાઈ સિદ્ધપુરા નામના યુવકે સાક્ષીના ગળાના ભાગે છરીના ઘા મારતા તેનું મોત નીપજ્યું હતું. ગાંધીધામમાં સાક્ષીના પડોશમાં આરોપી મોહિત રહેતો હતો.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે, ભુજમાં અભ્યાસ અર્થે મૃતક સાક્ષી આવતા મોહિત તેને ગાંધીધામ આવવા દબાણ કરતો હતો. આ દરમિયાન મોહિત સાક્ષીના માતા-પિતાને જાણ કરવાની ધમકી આપતો, વારંવાર ફોન કોલ કરતો હતો જેથી સાક્ષીએ તેને બ્લોક કર્યો હતો. મોહિતની ધમકી અને દબાણ અંગે ઘટનાના દિવસે સાક્ષીએ તેની માતાને જાણ કરી હતી.
કોલેજના ગેટ પાસે ખેલાયો હતો લોહિયાળ ખેલ
ઘટનાના દિવસે ઉશ્કેરાયલા મોહિતે તેના અંજારના મેઘપર બોરીચીના જયેશ ઠાકોર નામના મિત્રને લઈને સાક્ષીની કોલેજ પહોંચ્યા હતા. આ પહેલા તેઓ અંજારમાં છરી લીધી હતી. કોલેજ બહાર મોહિતે સાક્ષીના ગળાના ભાગે છરી ફેરવી દીધી હતી. આ પછી ગંભીર હાલતમાં સાક્ષીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું હતું.
એકતરફી પ્રેમી અને તેના મિત્રને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા
હત્યાના ગુનાની ગંભીરતાને પગલે ભુજ શહેર એ ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં મોહિત અને જયેશની ધરપકડ કરી હતી. સમગ્ર મામલે ભુજ પ્રિન્સીપલ સેશન્સ જજ દિલીપ પી. મહિડાએ ફરિયાદ પક્ષ દ્વારા રજૂ કરાયેલા દસ્તાવેજી પુરાવા અને 31 સાક્ષીની જૂબાનીના આધારે આરોપી મોહિત અને જયેશને આજીવન કેદની સજાની સાથે 25-25 હજારનો દંડ ફટકાર્યો છે.
શું હતી સમગ્ર ઘટના?
ભુજની સંસ્કાર સ્કુલ એન્ડ કોલેજના ગેટ બહાર 28 ઓગસ્ટ, 2025ના રોજ મૃતક વિદ્યાર્થિની અને એક યુવક પર છરી વડે હુમલો થયો હતો. આ મામલે કોલેજના સંચાલકે જણાવ્યું હતું કે, 'કોલેજના પહેલા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની શિક્ષણકાર્ય પૂરું થતાં કોલેજમાંથી નીકળીને હોસ્ટેલ તરફ જઈ રહી હતી. જ્યાં કોલેજના ગેટ પાસે વિદ્યાર્થિની પહોંચી ત્યારે અંજાર બાજુના રહેવાસી બે યુવકો ત્યાં આવ્યા હતા. આ દરમિયાન આરોપીએ વિદ્યાર્થિની અને એક યુવક પર છરીથી હુમલો કર્યો હતો.'









