Gujarat

સાજીવાવ પ્રાથમિક શાળાના શિક્ષકને ચેક બાઉન્સના બે કેસમાં એક-એક વર્ષની સજા

By GS TEAM
15 Nov 20252 mins read
સાજીવાવ પ્રાથમિક શાળાના શિક્ષકને ચેક બાઉન્સના બે કેસમાં એક-એક વર્ષની સજા

- એગ્રો બાયોનો વેપાર કરતા વડોદરાના વેપારીને બે વર્ષનો કારાવાસ

- મહુવાના ભાણવડ ગામે નોકરીએ આવ્યો ત્યારે પિતાની બીમારીના બહારે ત્રણ લાખ રૂપિયા હાથઉછીના લીધા બાદ પરત ન કર્યા

ભાવનગર : પંચમહાલ જિલ્લાની સાજીવાવ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતા શખ્સને ચેક બાઉન્સના બે કેસમાં એક-એક વર્ષની સજા પડી છે. તેમજ એગ્રો બાયોનો વેપાર કરતા વડોદરાના વેપારીને બે વર્ષની કેદ ફટકારવામાં આવી છે.

પંચમહાલના શહેરા તાલુકાના સાજીવાવ ગામે રહેતો ભીખાલાલ ધુલજીભાઈ પ્રજાપતિ નામનો મહુવાના ભાણવડ ગામની સરકારી શાળામાં નોકરી કરી રહ્યો હતો. ત્યારે ગીરજાશંકર શિવશંકર જોષી (રહે, ૪૭, સેતાનગર, વીટીનગર રોડ, મહુવા) (નિવૃત્ત કેળવણી નિરીક્ષક વહીવટ-તા.પં.-મહુવા) અને તેમના પુત્ર સાથે સબંધ કેળવી પોતાના પિતાની બીમારી સબબ ત્રણ લાખ રૂપિયા હાથઉછીના લીધા હતા. ત્યારબાદ તેની બદલી વતનમાં થતાં વૃદ્ધ અને તેમના પુત્રવધૂએ બાકીના રૂપિયાની ઉઘરાણી કરતા શખ્સે બન્નેને ચેક આપ્યા હતા. જે ચેક બાઉન્સ થતાં છાયાબેન અરવિંદભાઈ જોષીએ એક લાખ રૂપિયાના ચેક બાઉન્સ તેમજ તેમના સસરા ગીરજાશંકર જોષીએ દોઢ લાખ રૂપિયાના ચેક પરત કેસ અંગેની મહુવાના એડી. ચીફ જ્યુડી. મેજિ.ની કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. જે બન્ને કેસમાં કોર્ટે આરોપી શિક્ષક ભીખાલાલ પ્રજાપતિને કોર્ટે એક-એક વર્ષની સજા અને ચેકની બમણી રકમ અનુક્રમે બે લાખ અને ત્રણ લાખનો દંડ ફટકાર્યો હતો.

અન્ય એક કેસમાં બોટાદમાં રહેતા અને ચુડા ખાતે અક્ષર એન્ટરપ્રાઈઝ ધરાવતા રોહિતભાઈ ઘનશ્યામભાઈ દાણાવાડિયાએ વડોદરામાં જીવન બ્રિક નામે એગ્રો બાયોનો વેપાર કરતો મહમદયાશીન અહમદનાફસી પઠાણ (રહે, ફતેગંજ પોલીસ સ્ટેશન સામે, ટાટા શો-રૂમ સામે, છાણીજતકાતનાકા સર્કલ, વડોદરા) સામે એગ્રો બાયો કોલના માલની બાકી રકમ રૂા.૮,૭૧,૬૩૬ના આપેલા જુદા-જુદા સાત ચેક બાઉન્સ થયા અંગે નોંધાવેલી ફરિયાદમાં બોટાદના એડી. જ્યુડી. મેજિ. ફર્સ્ટ ક્લાસે મહમદયાશીન પઠાણને બે વર્ષ સાદી કેદ અને રૂા.૧૭,૪૩,૨૭૨નો દંડ ભરવા તેમજ ચુકાદા સમયે હાજર ન રહેલ શખ્સ સામે વોરંટ કાઢવા હુકમ કર્યો હતો.