આજીવન કેદની સજા પામેલા સાજીદ કચરાએ જેલના સ્ટાફને ધમકાવ્યા
લઘુમતી અગ્રણી અને તેના પુત્રના ડબલ મર્ડરમાં જેલના સ્ટાફને જોઇ લેવાની પણ ધમકી આપી, અગાઉ પણ જેલરને ધમકી આપતાં પોલીસે ધરપકડ કરી હતી
રાજકોટ, : રાજકોટના લઘુમતી અગ્રણી અને તેના પુત્રની હત્યામાં આજીવન કેદની સજા પામેલા સાજીદ હુસેન કચરા (રહે. સુભાષનગર, રૈયા રોડ)એ જેલરને ધમકી આપ્યાની ફરિયાદ નોંધાયા બાદ હવે જેલ સિપાઇ અને હવાલદારને પણ ધમકી આપ્યાની પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. જેલના હવાલદાર જયરાજ વાળાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ગઇ તા. 5ના રોજ તેની જેલના મેઇન ગેઇટ ખાતે કેદી આવક-જાવકના ટેબલ ઉપર ડયુટી હતી. તે વખતે વચગાળાના જામીન ઉપર છૂટેલો આરોપી રમીઝ ઉર્ફે બાબો ખેબર હાજર થવા માટે આવતા એન્ટ્રી કરાવી તેને જેલહવાલે કર્યો હતો. ત્યાર પછી પાકા કામનો કેદી સાજીદ અન્ય બે શખ્સો સાથે જેલના મેઇન ગેઇટની બહારના ભાગે ઉભેલો જોવા મળ્યો હતો.
તે વખતે સીસીટીવી કન્ટ્રોલ રૂમમાં જેલ સિપાઇ દીપકભાઈ વાસણની ડયુટી હતી. જેણે સાજીદને અહીં કેમ ઉભા છો તેમ પૂછતાં તેની સાથે બોલાચાલી કરી, ગાળો ભાંડી કહ્યું કે તું કોણ છો, મને ઓળખે છે, હું મર્ડરના કેસમાં તારી જેલમાં સજા ભોગવું છું, મને કોઇ ફેર નહીં પડે, હું હાલ રજા પર છું, વધુ કાંઇ બોલતો નહીં, નહીંતર તને મારી નાખીશ. આ પછી તેને ગાળો ભાંડી હતી. ઝગડાનો અવાજ આવતા તેણે સાજીદને જતા રહેવાનું કહેતા તેને કહ્યું કે તમે હજુ નવા છો, મને ઓળખતા નથી, તમે જેલવાળા બધાને હું જોઇ લઇશ, હાલ હું રજા પર છું, મારે બીજું કાંઇ કામ નથી. આ પછી તેણે સમજાવટ કરી જતા રહેવાનું કહેતા સાજીદ અન્ય બે શખ્સો સાથે જતો રહ્યો હતો. ફરજ પરના ડયુટી જેલરને આ ઘટના અંગે જાણ કરતાં તેણે રજીસ્ટરમાં નોંધ કરી જેલ અધિક્ષકને રિપોર્ટ આપ્યો હતો. ગઇકાલે પ્ર.નગર પોલીસે સાજીદ અને બે અજાણ્યા શખ્સ સામે ગુનો દાખલ કર્યો હતો. અગાઉ જ્યારે જેલરને ધમકી આપી હતી ત્યારે તે ગુનામાં સાજીદને એલસીબી ઝોન-2ના સ્ટાફે ઝડપી લઇ પ્ર.નગર પોલીસને સોંપ્યો હતો.