પીધેલા ભાઇને છોડાવવા સાગરીતો સાથે આવેલા સાહિલે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં માથં પછાડી કાચ તોડ્યા
સાહિલે મહિલા પોલીસ અને સ્ટાફને કહ્યું,મારાે ભાઇ મારા મર્ડરની ફરિયાદ કરશે અને તમને સજા કરાવીશ
વડોદરાઃ નવાયાર્ડમાં રાતે દારૃના નશામાં પકડાયેલા સાજીદ અને તેના બે મિત્રોને છોડાવવા માટે સાજીદના ભાઇ સાહિલ અને તેના બે મિત્રોએ ફતેગંજ પોલીસ સ્ટેશનના સ્ટાફને ધમકીઓ આપી કાચ તોડી નાંખતાં ત્રણેય સામે ગુનો નોંધાયો છે.
નવાયાર્ડ અમરનગરની પાછળ કેટલાક લોકો બૂમરાણ મચાવતા હોવાની જાણ થતાં ફતેગંજ પોલીસે સ્થળ પર પહોંચી દારૃના નશામાં છાકટા બનેલા સાજીદ અલી અનવરઅલી રાજ,લુકમાન મહેબૂબ ખાન પઠાણ અને સાહિલખાન નઝીરખાન પઠાણ(ત્રણેય રહે.મોમીન પાર્ક, ફૂલવાડી, નવાયાર્ડ)ને ઝડપી પાડી કેસ કર્યો હતો.
સાજીદઅલીની ધરપકડ વિશે પોલીસે તેના ભાઇ સાહિલ અનવરભાઇ રાજને સત્તાવાર જાણ કરી હતી. જેથી રાતે ૧૦.૪૫ વાગ્યાના અરસામાં સાહિલ રાજ તેના બે મિત્રો ઇરફાન હમીદભાઇ રાઠોડ(ડી કેબીન, રેલવે,નવાયાર્ડ) અને મલેક મહંમદ અનિશ અજમતુલા (ફૂલવાડી, નવાયાર્ડ)ને લઇ પોલીસ સ્ટેશને આવ્યો હતો.
તેણે મહિલા પોલીસ કર્મીની રૃમ પાસે જઇ મારા ભાઇને કેમ પકડી લાવ્યા છો,છોડી દો..તેમ કહી ધમકી આપવા માંડી હતી અને પોલીસને અપમાનિત કરી તેના ભાઇને લઇ જવાનો આગ્રહ રાખતાં સ્ટાફે તેને રોક્યો હતો.જેથી તેણે હું માથું પછાડીને મરી જઇશ અને તમને મર્ડરના કેસમાં આજીવન જેલ કરાવીશ..તેમ કહી પીઆઇની ચેમ્બર પાસેના અરીસામાં તેમજ ૭ નંબરની રૃમના દરવાજાના કાંચમાં માથું અથાડી કાચ તોડયા હતા.
જેથી કપાળે ઇજા થતાં તે લોબીમાં સૂઇ ગયો હતો.પોલીસે ૧૦૮ બોલાવી સારવાર માટે દાખલ કરાવ્યો હતો.જ્યારે તેના બે સાગરીતોની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસ સ્ટેશનમાં આવી સાહિલે કહ્યું, મને ઓળખે છે,હું ફૂલવાડીનો દાદા છું
ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ભાંગફોડ કરનાર સાહિલ સામે ફરિયાદ કરનાર મહિલા પોલીસે કહ્યું છે કે,સાહિલે મારી રૃમ પાસે આવી મારા ભાઇને છોડી દો તેમ કહી અપમાનજનક વર્તન કર્યું હતું.તેણે કહ્યું હતું કે,તું મને ઓળખે છે,હું ફૂલવાડીનો દાદા છું.પોલીસ મારું કાંઇ બગાડી નહિ શકે.
ફતેગંજના પીઆઇ અજય ગઢવીએ કહ્યું હતું કે,સાહિલના બે સાગરીતોની ધરપકડ કરી લીધી છે.જ્યારે તેની સારવાર ચાલી રહી હોવાથી પછીથી ધરપકડ કરવામાં આવશે.
અગાઉ પણ પીધેલાએફતેગંજ પોલીસની વાનના કાચ તોડયા હતા
ગઇરાતે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં પીધેલાના કેસમાં પકડાયેલા યુવકને છોડાવી જવા માટે તેના ભાઇએ ધાંધલ મચાવી તોડફોડ કર્યાના બનાવની જેમ જ એકાદ મહિના પહેલાં બનાવ બન્યો હતો.જેમાં વસીમ નામના શખ્સને પોલીસે પકડતાં તેણે પોલીસ વાનના કાચ તોડયા હતા.