સુરત ડીઇઓ કચેરીના નિરીક્ષકની સિંગલ ઓર્ડરથી સાગબારા બદલી
- ક્લાસ-2 અધિકારી અરૃણ અગ્રવાલની માંગણી મુજબ નહી પણ વહીવટી કારણે બદલીની નોંધથી અનેક ચર્ચાએ વેગ પકડયો
સુરત
સુરત જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં વર્ગ-2 માં ફરજ બજાવતા શિક્ષણ નિરીક્ષક અરૃણ અગ્રવાલની નાયબ નિયામક ગાંધીનગર દ્વારા સિંગલ ઓર્ડર કરીને એકાએક સાગબારામાં સરકારી માધ્યમિક શાળામાં આચાર્ય તરીકે બદલી કરી દેવાઇ છે.
સુરત જિલ્લા શિક્ષણાધિકારીમાં ફરજ બજાવતા શિક્ષણ નિરીક્ષકોનો સુરતનો ટાઇમ પીરીયડ પૂર્ણ થવા આવ્યો હોવાથી બદલીની વાતો સંભળાઇ રહી હતી. તેવા સમયે એકમાત્ર અરૃણ અગ્રવાલની બદલી કરીને તેમને સરકારી માધ્યમિક શાળા ડોલવણ (તા.સાગબારા જિ.નર્મદા) માં આચાર્ય તરીકે બદલીનો હુકમ કરી દેવાતા ચર્ચાઓ શરૃ થઇ છે કે એકદમ અચાનક શા માટે બદલી કરાઇ ? હુકમમાં એવુ પણ નોંધ્યુ છે કે ફેરબદલીના આદેશમાં ફેરબદલી તેમની માંગણી અનુસાર નહીં પરંતુ વહીવટી કારણોસર કરવામાં આવેલ છે. જોકે, આ હુકમને લઇને ચર્ચાઓએ જોર પકડયું છે.