કભી ખુશી, કભી ગમની જેમ વર્ષ થોડંુ સારૂં, થોડું ખરાબ નિવડયું
ખમીરવંતો સાગરખેડૂ સમાજ ફિશિંગ બોટો, જાળ વગેરેનું સમારકામ ઉપરાંત લગ્ન સહિતના સામાજિક પ્રસંગોની ઉજવણી કરશે
પોતાના જીવના જોખમે અને ઘરબારની પરવા કર્યા વિના પરિવારજનોનું પેટીયુ રળવા માટે દરિયો ખુંદતા સાગરખેડુ ખારવા સમાજ સહિતના માછીમારોનું વેકેશન શરૂ થઈ ચૂક્યું છે. આ વર્ષે પહેલી જૂનથી ૩૧ જુલાઈને બદલે માછીમારોની માગણી અનુસંધાને ૧૫ ઓગસ્ટ સુધીનું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે અને ત્યાં સુધી માછીમારી ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ત્યારે આ દિવસો દરમિયાન ખમીરવંતા ખારવા સમાજ દ્વારા જુદા જુદા સામાજિક પ્રસંગો અને લગ્ન ઉત્સવ સહિત ઉજવણી કરવામાં આવતી હોય છે. આ અઢી મહિના દરમિયાન અનેક ખારવા યુવક યુવતીઓના લગ્નના પ્રસંગો રંગેચંગે ઉજવાશે. એટલું જ નહીં પરંતુ ખારવા સમાજનો સૌથી મોટો તહેવાર અષાઢી બીજની ઉજવણી પણ કરવામાં આવશે.
તે ઉપરાંત કાંઠે બાંધવામાં આવેલી બોટોના સમારકામ સહિત માછીમારી જાળના સમારકામ અને ફિશિંગ બોટમાં નાના-મોટા રિપેરિંગ તેમજ એન્જિનમાં ઓઇલિંગ સહિત છૂટક કામ કરાવવામાં આવતું હોય છે, તો બોટમાં મિસ્ત્રી કામની કાર્યવાહી પણ હાલમાં વેકેશન દરમિયાન થતી હોય છે.
માછીમારોને આ વર્ષ 'કહીં ખુશી કહીં ગમ'ની જેમ થોડું સારું અને થોડું ખરાબ નીવડયું છે, ત્યારે વેકેશન દરમિયાન માછીમારો તેમના પરિવારજનો સાથે રહીને સામાજિક અને ધામક કાર્યો પૂર્ણ કરશે અને પરિવારજનોને પણ તેમના સ્વજનો ઘરે રહેતા હોવાથી ખુશી જોવા મળશે.
સાગરપુત્રો માટે સુરક્ષાની દ્રષ્ટિએ વર્ષ સારૂં રહ્યું
માછીમારીની પ્રથમ સિઝન કે જેમાં એક પણ બોટનું અપહરણ થયું નથી
વર્ષોથી ચાલતો પકડાપકડીનો ખેલ આ સિઝનમાં બંધ રહેતાં માછીમારોના પરિવારોમાં રાહત
પોરબંદર: માછીમારીની સીઝન પૂર્ણ થઈ છે અને ચાલુ સિઝનમાં પોરબંદર કે ગુજરાતની એક પણ ફિશિંગ બોટનું પાકિસ્તાન મરીન દ્વારા અપહરણ કરવામાં આવ્યું નથી.
પહેલી જૂનથી માછીમારી ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને અઢી મહિનાનું સાગર પુત્રનું વેકેશન શરૂ થયું છે ત્યારે માછીમાર બોટ એસોસિએશનના પૂર્વ પ્રમુખ અને માછીમાર આગેવાન જીવનભાઈ જુંગીએ જણાવ્યું હતું કે ફિશિંગની આ સિઝન દરમિયાન પાકિસ્તાન મરીન દ્વારા આપણી એક પણ ફિશિંગ બોટનું અપહરણ થયું નથી.
પાકિસ્તાની મરીન સિક્યુરિટી એજન્સી દ્વારા આઈ.એમ.બી.એલ. નજીકથી અનેક બોટોના અપહરણ કરવામાં આવે છે અને માછીમારોને ઉઠાવી જવામાં આવે છે તથા પાકિસ્તાનની જુદી જુદી જેલોમાં ધકેલી દેવામાં આવે છે પરંતુ હવે માછીમારો અને બોટ માલિકોમાં પણ જાગૃતિ આવી છે તેથી આઈ.એમ.બી.એલ. સુધી માછીમારો માછલા પકડવા જતા નથી અને પાકિસ્તાન દ્વારા પણ દરિયાઈ સરહદનું ઉલ્લંઘન કરવામાં આવે તો તેમને ખબર છે કે ભારત વળતો પ્રહાર કરી શકે તેમ છે તેથી ફિશિંગની સીઝન દરમિયાન એક પણ ફિશિંગ બોટનું અપહરણ થયું નથી તે સાગર પુત્રો માટે ખુશીની વાત છે.


