માંડલ અને વિરમગામના 4 બ્રિજનું સલમાતી ચકાસણી હાથ ધરાઇ

- વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ
- પ્રાંત અધિકારી, માર્ગ અને મકાન વિભાગ તેમજ ટેકનિકલ ટીમે ગુણવત્તા ટેસ્ટ કરી નિરીક્ષણ કર્યું
માંડલ : વડોદરા ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ માંડલ અને વિરમગામ તાલુકના ૪ બ્રિજની પ્રાંત, માર્ગ અને મકાન વિભાગ તેમજ સ્થાનિક તંત્ર દ્વારા ચકાસણી હાથ ધરવામાં આવી છે. ચારે બ્રિજની ગુણવત્તા ટેસ્ટ કરી ત્રણ દિવસમાં તપાસનો રિપોર્ટ સરકારમાં મોકલવાની કામગીરી હાથ ધરાશે.
વડોદરામાં ૯મી જુલાઇના રોજ ગંભીરા બ્રિજ તુટવાને લઈ ટ્રક, ગાંડીઓ નદીમાં ખાબકી હતી અને ૧૩ વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. રાજ્યમાં સતત વધતી જતી દુર્ઘટનાઓને લઈ સ્થાનિક પ્રજાજનોમાં પણ હવે સરકાર વિરુદ્ધ રોષ ફેલાયો છે. ત્યારે સરકારે રાજ્યમાં તમામ બ્રિજ, પુલોનું નિરીક્ષણ કરવાની સ્થાનિક તંત્રને સુચના આપી છે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા માંડલ, વિરમગામ સહિતના વિસ્તારોમાં ચાર બ્રિજ જેમાં વિરમગામ-માંડલ રોડ ઉપર આવેલો ડેડીયાસણ પુલ, વિરમગામ તાલુકાના પનાર ગામે આવેલો પુલ અને માંડલના કોઝવે પર જુનો અને નવો બંને પુલ (બ્રિજ)ની તપાસ કરવામાં આવી અને ગુણવત્તા પણ ટેસ્ટ કરવામાં આવી હતી અને ઉપરોક્ત આ તમામ બ્રિજનો રિપોર્ટ તૈયાર કરીને સરકાર સુધી મોકલવા સહિતની કામગીરી હાથ ધરી હતી.








