Get The App

ખાંભડા ડેમની જળ સપાટી ભયજનક હદે વધતા 40 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા

Updated: Jun 18th, 2025

GS TEAM

Google News
Google News
ખાંભડા ડેમની જળ સપાટી ભયજનક હદે વધતા 40 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા 1 - image


- પીપળીયા ગામે ખેતરમાં ફસાયેલ 12 લોકોને બચાવાયા

- જળસ્ત્રોત ધરાવતા વિસ્તારોથી દૂર રહેવા બોટાદ જિલ્લા કલેક્ટરની અપીલ : 108, ફાયર વિભાગ એલર્ટ મોડ પર 

ભાવનગર : બોટાદ જિલ્લામાં અનરાધાર વરસાદના પગલે નદી-નાળા છલકાયા હતા.દરમિયાનમાં આજે જિલ્લાના ખાંભડા ડેમની જળ સપાટી ભયજનક સ્થિતિએ પહોંચતા તંત્ર અને સ્થાનિકો દ્વારા ૪૦ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા હતાં. 

મળતી વિગતો મુજબ બરવાળા તાલુકામાં ભારે વરસાદના પગલે ખાંભડા ડેમના દરવાજા ખોલાયા હતા જે પૈકી આજે બે દરવાજા બંધ કરાયા હતા. પ્રાંત અધિકારીએ મુલાકાત લઇ સમિક્ષા કરતા પાણીની આવક આજે પણ વધતા ડેમ નજીકના વિસ્તારોમાંથી ૪૦ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરાઇ હતી. જે તમામને પાવન સ્કૂલ ખાતે ખસેડી ભોજન સહિતની વ્યવસ્થા કરાઇ હતી. તો સાથે બોટાદ શહેરમાં આવેલ કૃષ્ણસાગર તળાવની અધિક કલેક્ટર દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. સાથે નાગરિકોને નદી નાળાઓ અને ડેમ નજીક ન જવા, વીજળી પડવાની સ્થિતિમાં ખુલ્લા મેદાનો કે ઉંચી જગ્યાએથી દૂર રહેવા પણ અપીલ કરાઇ હતી.ઉપરાંત, પીપળીયા ગામે ખેતર ફરતે પાણી ફરી વળતા ૧૨ લોકો ખેતરમાં ફસાયા હતા જેનો લોકલ ટીમ દ્વારા બચાવ કરવામાં આવ્યો હતો. આ આભમાંથી વરસેલું પાણીના અતિક્રમણથી આફત બની જવા પામી છે જેથી બોટાદ પ્રશાસન દ્વારા ૧૦૮, ફાયર સહિતનાને પણ એલર્ટ મોડમાં રખાયા છે. 

બોટાદ કન્ટ્રોલ રૂમના બન્ને ફોન આઉટ ઓફ સર્વિસ

એક તરફ કુદરત વરસાદના રૌદ્ર સ્વરૂપ ધારણ કરી તારાજી સર્જી રહ્યું છે. જ્યારે પ્રશાસન આકસ્મિક ઘટનાઓને નિવારવા કવાયત કરે છે અને સરળતા માટે કન્ટ્રોલ રૂમ કાર્યરત કર્યા છે. બોટાદ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ભારે વરસાદ વચ્ચે આપાતકાલીન પરિસ્થિતિમાં લોકોને ઉપયોગી થવા જિલ્લા કન્ટ્રોલ રૂમમાં બે લેન્ડલાઇન નંબરો જાહેર કરાયા છે. પરંતુ આ બન્ને નંબરો આઉટ ઓફ સર્વિસની કેસેટ બોલી રહ્યા છે. આમ આવી કપરી સ્થિતિમાં પણ જાહેર કરેલ નંબરો જો બંધ રહેતા હોય તો નાગરિકો મુસીબતમાં મદદ પણ કોની પાસે માંગે ? શું મજાક કરવા આવા બંધ નંબરો જાહેર કરાય છે તેવા સવાલો પણ ચર્ચામાં છે. જે નંબરો શરૂ હોય અને રાઉડ ધ ક્લોક ઉપડે અને યોગ્ય જવાબ મળે તેવા નંબરો જાહેર કરવા લોકોની માંગ છે.

Tags :