ફિલ્મી હસ્તીઓ સહિત આ દિગ્ગજ ક્રિકેટરો પણ ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમમાં રહેશે હાજર
અમદાવાદ, તા. 18 ફેબ્રુઆરી 2020 મંગળવાર
વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમનું ઉદ્ઘાટન મોટેરા ખાતે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ટ ટ્રમ્પ કરવાના છે. આ પ્રસંગે BCCIના તમામ હોદ્દેદારો તેમજ સચિન ગાવાસ્કર સહિતના દિગ્ગજ ક્રિકેટરો હાજર રહેશે. ઉપરાંત નમસ્તે ટ્રમ્પ અને રોડ શોમાં બને એટલા વધું લોકો આવે તેવો આગ્રહ રાખવામાં આવ્યો છે. કાર્યક્રમમાં વીવીઆઈપી લોકો આવાને બદલે બને એટલા મહત્તમ લોકો એકત્રિત થાય તેવું ટ્રમ્પનું કાર્યાલય ઈચ્છે છે.
ક્રિકેટરો અને ફિલ્મી હસ્તીઓ પણ હાજર રહેશે
આ કાર્યક્રમમાં ક્રિકેટરો અને ફિલ્મી હસ્તીઓ પણ હાજર રહેશે અને તેઓ પણ આ કાર્યક્રમમાં આકર્ષણનું કેન્દ્ર બનશે જેથી તેમને બોલાવામાં આવ્યા છે. કાર્યક્રમમાં વીવીઆઈપી વ્યક્તિ તરીકે માત્ર બેજ હશે અને તે ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી હશે. સાથે જ આ કાર્યક્રમમાં શ્રોતાઓની ઉપસ્થિતિ વધું હોવાથી અમદાવાદ અને તેની આસપાસના આઠ જિલ્લામાંથી શાળા-કોલેજના વિદ્યાર્થીઓ અને ઉદ્યોગ-વ્યાપાર એસોસિએશનના પ્રતિનિધીઓને હાજર રાખવામાં આવશે. જેની જવાબદારી જે-તે જિલ્લાના કલેકટરની રહેશે.
તૈયારીઓનો ધમધમાટ શરૂ
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતને લઈને તૈયારીઓના ધમધમાટ વચ્ચે અમેરિકાથી વિશેષ વિમાન અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યુ છે. ડોનાલ્ડ ટ્રમ્પની સિક્યુરીટીમાં કોઈ પણ પ્રકારની ખામી ન રહે તે માટે સરકાર દ્વારા પુરતું ધ્યાન આપવામાં આવી રહ્યું છે. જયારે આજ રોજ અમેરિકાનું એરફોર્સનું એક હરક્યુલીસ વિમાનમાં ટ્રમ્પ સાથે રહેનારી ગાડીઓ અને અન્ય સામાન ઉતારવામાં આવ્યો છે.
અમદાવાદમાં આવી રહેલા અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે તેમની પત્ની મેલેનિયા ટ્રમ્પ આવી રહ્યા છે. ત્યારે તેમની સુરક્ષાને લઈ શહેરમાં તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે.
વિમાનમાં આ છે ખાસિયતો
આ વિમાનમાં અમેરિકી સ્નાઈપર, ફાયર સેફ્ટી સિસ્ટમ, સ્પાય કેમેરા અને મરીન કમાન્ડો સાથે જોડાયેલી સુરક્ષા સામગ્રી આવી હોવાનું મનાય છે. ઉલ્લેખનીય છે કે અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ, ફર્સ્ટ લેડી અને વડાપ્રધાન મોદી 24 ફેબ્રુઆરીએ અમદાવાદની મુલાકાતે આવવાનાં છે. ત્યારે મહાનગરપાલિકા દ્વારા પાલડી અને સ્ટેડિયમ ખાતે કંટ્રોલ રુમ ઉભો કરવામાં આવશે.