સાબરમતીની મહિલા જેલમાં જડતી : જેલમાં ફોનનો ઉપયોગ કરતી ચાર મહિલા કેદીની પોલ ખૂલી

Updated: Jan 25th, 2023

અમદાવાદ,તા.25 જાન્યુઆરી 2023,બુધવાર

સાબરમતીની મહિલા જેલમાં જેલ પોલીસે રવિવારે રાત્રે જડતી કરતા મોબાઈલ ફોનનો ઉપયોગ કરતી ચાર મહિલા કેદીની પોલ ખુલી હતી. જેલ પોલીસે વીઆઈપી સીમકાર્ડ, મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબ્જે લઈ રાણીપ પોલીસ સ્ટેશનમાં સોમવારે બપોરે ફરિયાદ નોંધાવી હતી. જેલ પોલીસે જડતીમાં ફોન પકડી લેતા મહિલા કેદી ફોન ફેકવા માટે ટોઈલેટ તરફ ભાગી પણ મહિલા સિપાઈએ તેણે ઝડપી લીધી હતી. 

જેલ પોલીસે જડતીમાં ફોન પકડતા એક કેદી ફોન ફેંકવા ટોઈલેટ તરફ ભાગી હતી  

સાબરમતી જેલ સ્ટાફ કવાર્ટસ ખાતે રહેતાં અને જેલમાં ગુ્રપ-૨ના જેલર તરીકે ફરજ બજાવતાં મહેશભાઈ મહીપતરામ દવે (ઉં,૫૭)એ રાણીપ પોલીસ સ્ટેશનમાં ચાર મહિલા કેદી સામે ફરિયાદ કરી છે.જે મુજબ ફરિયાદી સહિતના સ્ટાફે સિનિયર જેલરની સૂચનાને પગલે રવિવારે રાત્રે દસ થી ૧૧.૫૫ વાગ્યાના સમયગાળા દરમિયાન મહિલા જેલમાં જડતી કરી હતી. આ દરમિયાન બેરેક-૯માં કાચા કામની મહિલા કેદી ડિમ્પલબહેન અશોકભાઈ ચૌધરીના હાથમાંથી જેલ પોલીસને મોબાઈલ ફોન મળી આવ્યો હતો. પોલીસને જોઈને ડિમ્પલ ચૌધરીએ બેરેકની અંદર તરફ આવેલા ટોઈલેટ તરફ ફોન ફેંકવા માટે દોડ લગાવી હતી. જો કે, મહિલા સિપાઈએ ડિમ્પલ ચૌધરીને ઝડપી લેતા પૂછપરછમાં અન્ય ત્રણ મહિલા કેદીના નામ ખૂલ્યા હતા. જેલ પોલીસની તપાસમાં અન્ય ત્રણ મહિલા કેદીમાં રૂબીના બરકતઅલી શેખનો મોબાઈલ ફોન હોવાનું તેમજ અન્ય બે મહિલા કેદી ચંપાબહેન વિરાભાઈ વણકર અને તમન્ના રમેશભાઈ ગુપ્તાનાઓ પણ આ ફોનનો ઉપયોગ કરતી હતી. આમ ચારે મહિલા કેદીઓ અનઅધિકૃત રીતે જેલમાં મોબાઈલ ફોનનો ઉપયોગ કરતી હતી. રાણીપ પોલીસે ગુનો દાખલ કરી બેટરી સાથનો મોબાઈલ ફોન, વીઆઈપી સીમકાર્ડ કબ્જે લીધું હતું.  

    Sports

    RECENT NEWS