Gujarat

ખેડાના પથાપુરા, કલોલીને જોડતા રોડ પર સાબરમતીના પાણી ફરી વળ્યા

By GS TEAM
26 Aug 20252 mins read
ખેડાના પથાપુરા, કલોલીને જોડતા રોડ પર સાબરમતીના પાણી ફરી વળ્યા

- નદીમાં પાણી છોડાતા ખેડાના ગ્રામ્ય વિસ્તારોને અસર

- 1 હજાર હેક્ટરમાં પાણી ઘૂસતા ખેડૂતોની હાલત કફોડી : વાહનવ્યવહાર ખોરવાયો : તંત્રએ લોકોને સાવચેત કર્યા

નડિયાદ : ખેડાના પથાપુરા અને કલોલીને જોડતા માર્ગ પર સાબરમતી નદીના પાણી ફરી વળ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદ અને સાબરમતી નદીમાં પાણીની ભારે આવક થવાને કારણે આ સ્થિતિ સર્જાઈ છે. પાણી ફક્ત રોડ પર જ નહીં, પરંતુ પથાપુરા અને કલોલી સીમ વિસ્તારના નીચાણવાળા ખેતરોમાં પણ પ્રવેશી ગયા છે.

સાબરમતી નદીના પાણી પથાપુરા અને કલોલી ગામોમાં અંદાજે ૧ હજારથી વધુ હેક્ટર જમીનમાં ઘૂસી જતા ખેડૂતોની હાલત કફોડી બની છે. જો સાબરમતી નદીની જળસપાટીમાં હજુ વધારો થશે, તો પાણી સીધા જ પથાપુરા ગામમાં પ્રવેશવાની શક્યતાના પગલે ગામમાં પૂરનું જોખમ વધી જશે. નદીના પાણી રોડ પર ફરી વળવાને કારણે વાહનવ્યવહાર ખોરવાયો છે. સ્થાનિક લોકો અને વાહનચાલકોને અવરજવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ટ્રેક્ટર પર જ સવારી કરવી પડે એવી સ્થિતિ સર્જાઈ છે. સ્થિતિને ધ્યાનમાં રાખી તંત્રએ લોકોને સાવચેત રહેવાની અને બિનજરૂરી અવરજવર ટાળવાની સૂચના આપી છે. 

પાણીનું સ્તર સતત વધી રહ્યું હોવાથી, સ્થાનિકોમાં ભયનું વાતાવરણ છે.

જો ડેમમાંથી ૧ લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવશે તો ખેડા તાલુકાના અંદાજે ૧૨ ગામોને તેની સીધી અસર થવાની સંભાવના છે. આ ગામોમાં નાની કલોલી, પથાપુરા, રસિકપુરા, ચિત્રાસર, ધરોડા જેવા ગામોનો સમાવેશ થાય છે. જ્યાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. ખેડા પ્રાંત અધિકારી અને મામલતદારે સોમવારે પથાપુરા ગામમાં દોડી જઇ પ્રભાવિત સ્થળોની મુલાકાત લઈ સ્થળની સ્થિતિ ચકાસી હતી. 

નદીમાં વધુ પાણી છોડાય તો ગામ સંપર્ક વિહોણાની વર્ષોની સમસ્યા

બંને ગામના લોકોનું કહેવું છે કે, છેલ્લા ઘણા વર્ષોથી આ બંને ગામોમાં આવી પરિસ્થિતિ છે. જો સાબરમતીમાં પાણીની આવક થાય અથવા તો નદીમાં પાણી છોડવામાં આવે તો પથાપુરા, નાની કલોલી, રઢુ સહિતના ગામના ખેતરોમાં પાણી ઘૂસી જાય છે. ઉપરાંત વધારે પાણી આવે તો ગામ તરફ પણ જાય છે અને ગામમાં પાણી પ્રવેશતા સંપર્ક વિહોણા થાય છે. ભૂતકાળમાં અનેક વખત આ પરિસ્થિતિ સર્જાઈ છે.