Gujarat

સાબરમતીમાં દોઢ લાખ ક્યુસેક પાણીનો ધસમસતો પ્રવાહ પસાર થતા નદીમાં પૂર

By GS TEAM
25 Aug 20252 mins read
સાબરમતીમાં દોઢ લાખ ક્યુસેક પાણીનો ધસમસતો પ્રવાહ પસાર થતા નદીમાં પૂર

ધરોઇમાંથી પાણી છોડવામાં આવતા સંત સરોવરના ૨૧ દરવાજા ત્રણ દિવસથી ખુલ્લા

સંત સરોવરમાં પાણી વધુ સંગ્રહ કરી શકાય તેમ નહીં હોવાથી ધરોઇનું પાણી અમદાવાદ તરફ મોકલી દેવાની નોબત ઃ નદીમાં પાણીનું સ્તર ચિંતાજનક વધ્યું

ગાંધીનગર :  ઉત્તર ગુજરાત અને રાજસ્થાનમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે જેના પગલે ધરોઇ ડેમ ભરાઇ ગયો છે ત્યારે અહીંથી છેલ્લા બે દિવસથી તબક્કાવાર પાણી છોડવામાં આવી રહ્યું છે. આ પાણી ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતી સાબરમતી નદીમાં છોડવામાં આવતા નદી બે કાંઠે વહેતી થઇ છે એટલુ જ નહીં, લાકરોડા બેરજથી સંત સરોવરમાં પાણી સંપુર્ણ ભરાઇ ગયા છે જેના પગલે સંત સરોવરના તમામ ૨૧ દરવાજો ખોલીને અહીંથી પાણી સતત ધોળેશ્વર-ભાટ એટલે કે, અમદાવાદ તરફ છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે અમદાવાદ રિવર ફ્રન્ટનો ઘણો હિસ્સો પાણીમાં ગરકાવ થઇ ગયો છે તેવી સ્થિતિ વચ્ચે સોમવારે રાત્રે ગાંધીનગરથી વધુ એકથી દોઢ લાખ ક્યુસેક પાણી અમદાવાદ તરફ પસાર થશે જેનાથી નદીમાં પાણીનું સ્તર ચિંતાજનકરીતે વધશે સાથે પૂરના દ્રશ્યો પણ જોવા મળશે.

આ વખતે ચોમાસાની શરૃઆતમાં જ સારા વરસાદને પગલે ગાંધીનગરનો સંત સરોવર ભરાઇ ગયો હતો એટલુ જ નહીં, ધરોઇમાંથી પાણી છોડવામાં આવ્યું ન હતું તેમ છતા સાબરમતી નદી સંત સરોવર તથા માણસા પંથકમાં બે કાંઠે વહેતી જોવા મળી રહી એટલુ જ નહીં, જુલાઇ માસમાં તો સંત સરોવરના દરવાજા ખોલીને અહીંથી પાણી ભાટ-ધોળેશ્વર તરફ છોડવું પડયું હતું. ત્યારે છેલ્લા દશેક દિવસથી ઉત્તર ગુજરાત અને રાજસ્થાનમાં ચાલી રહેલી મેઘરાજાની હેલીને પગલે સાબરમતી નદી પરનો ધરોઇ ડેમ ભરાઇ ગયો છે. આ ડેમ સંપુર્ણ ભરા જતા તેમાંથી છેલ્લા ત્રણ દિવસથી તબક્કાવાર પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જેના પગલે ગાંધીનગરના સંત સરોવરન તમામ દરવાજા ખોલીને અહીં આવતા પાણીની આવકને વાસણા બેરેજ તરફ એટલે કે, ધોળેશ્વર, ભાટ સહિત અમદાવાદ રીવરફ્રન્ટ તરફ છોડી દેવામાં આવે છે. જેના કારણે ગઇકાલે અમદાવાદ રીવરફ્રન્ટનો વોક વે પાણીમા ગરકાવ થઇ ગયો છે.આવી સ્થિતિ વચ્ચે હજુ પણ ધરોઇ ડેમમાં સતત પાણીની આવક ભયજનકરીતે વધી રહી છે જેના પગલે અહીંથી પાણી છોડવાનો સિલસિલો સતત ચાલુ છે.જેની ઇફેક્ટ ગાંધીનગરની સાબમરતી નદીમાં પણ જોવા મળી રહ્યો છે.

ધરોઇ ડેમમાંથી આજે સાંજ સુધીમાં તબક્કાવાર થઇને દોઢ લાખ ક્યુસેક જેટલુ પાણી છોડવામાં આવ્યું છે ત્યારે ગાંધીનગરના સંત સરોવરમાંથી પણ સાંજ બાદ રાત્રે અહીંથી એકથી દોઢ લાખ ક્યુસેક જેટલા પાણીનો ધસમસતો પ્રવાહ પસાર થશે અને ધોળેશ્વેર-ભાટ એટલે કે, અમદાવાદ રીવરફ્રન્ટ તરફ જશે. અહીં વાસણા બેરજ પણ ફુલ થઇ  ગયો છે ત્યારે સાબરમતી નદીમાં પાણીની સપાટીનું સ્તર સતત ઉંચુ આવશે. નદીમાં પાણીનું સ્તર ચિંતાજનકરીતે વધી રહ્યું છે અને નદીમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે નદી કાંઠાના વિસ્તારને એલર્ટ રહેવા સુચના આપવામાં આવી છે.