ડ્રાઇવીંગ લાયસન્સ વિના બેરોકટોક રીતે ચાલતી રીક્ષાઓની સંખ્યામાં વધારો
સાબરમતી પોલીેસે ૫૦થી વધુ રીક્ષા જપ્ત કરી
રીક્ષામાં વાહન નંબર, માલિકનું નામ અને વાહનચાલકનું નામ લખવુ ફરજિયાત હોવા છતાંય, પાલન નથી થતું
અમદાવાદ,શનિવાર
અમદાવાદમાં રીક્ષાચાલક ગેંગ દ્વારા પેસેન્જરને લૂંટવાના, પેસેન્જર તરીકે બેસીને કિંમતી મુદ્દામાલની ચોરી કરવાના કિસ્સા વધતા પોલીસે રીક્ષામાં દેખાઇ તે રીતે વાહનનંબર , રીક્ષાના માલિકનું નામ અને રીક્ષાચાલકનું નામ લખવુ ફરજિયાત બનાવ્યું હતું. પરંતુ, હજુ પણ રીક્ષાચાલકો દ્વારા આ નિયમનું પાલન કરવામાં આવતું નથી. જે અનુસંધાનમાં સાબરમતી પોલીસે શુક્રવારે નિયમ વિરૂદ્ધ ચાલતી ૫૦થી વધુ રીક્ષા જપ્ત કરીને કાર્યવાહી કરી હતી. જેમાં મોટાભાગની રીક્ષાના ચાલકો પાસે ડ્રાઇવીંગ લાયસન્સ પણ નહોતું.
અમદાવાદમાં કેટલાંક ઓટોરીક્ષાના ચાલકો દ્વારા પેસેન્જર પાસેથી કિંમતી મુદ્દામાલની લૂંટ કરવાની તેમજ ચોરી કરવાના કિસ્સામાં સતત વધારો થતા પોલીસ કમિશનર જી એસ મલિક દ્વારા એક જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં ઓટો રીક્ષા અને કેબમાં પેસેન્જર જોઇ શકે તેવી રીતે વાહનનો નંબર, વાહનના માલિકનું નામ અને વાહનચાલકનું નામ લખવુ ફરજિયાત હોય છે. આ જાહેરનામાનો અમલ ટેક્ષીમાં કરવામાં આવ્યો હતો.
પરંતુ, ઓટોરીક્ષાના ચાલકો દ્વારા હજુપણ આ જાહેરનામાનો અમલ કરવામાં આવતો નથી. જે અનુસંધાનમાં સાબરમતી પોલીસે શુક્રવારે ઓટોરીક્ષાની તપાસ કરવા માટે કામગીરી કરી હતી. જે અનુસંધાનમાં પોલીસે ૫૦થી વધુ ઓટો રીક્ષા જપ્ત કરી હતી. આ અંગે પોલીસ ઇન્સ્પેક્ટર એચ એન પટેલે જણાવ્યું કે જે રીક્ષાચાલકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. તેમાં જાહેરનામાનો ભંગ કરવાની સાથે મોટાભાગના રીક્ષાચાલકો પાસે ડ્રાઇવીંગ લાયસન્સ અને વાહનના કાગળો પણ નહોતા. ત્યારે આગામી દિવસમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ ઓટોરીક્ષા અનુસંધાનમાં ડ્રાઇવ કરવામાં આવશે.