બલોલનગર બ્રીજ પર આતંક મચાવનાર છ આરોપીને ઝડપી લેવાયા
વાહનોની લૂંટ કર્યા બાદ આરોપીઓ વાહનો તોડી નાખ્યા
માથાભારે તત્વોમાં પોલીસનો ભય રહે તે માટે નિયમિત કાર્યવાહી કરવા માટે સ્થાનિક લોકોની રજૂઆત
અમદાવાદ,ગુરૂવાર
ન્યુ રાણીપમાં આવેલા બલોલનગર બ્રીજનો રસ્તો બાનમાં લઇને વાહનચાલકોને માર માર્યા બાદ સ્કૂટર બાઇકની લૂંટ કરવાના મામલે સાબરમતી પોલીસે છ આરોપીઓની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીઓએ બલોલનગર અને આસપાસના વિસ્તારમાં પોતાનો ભય યથાવત રાખવા માટે લૂંટ કરાયેલા વાહનો તોડી નાખ્યા હતા. ત્યારે સ્થાનિક લોકો અને બ્રીજ પરથી પસાર થતા વાહનચાલકોએ માંગણી કરી છે કે પોલીસ દ્વારા આ વિસ્તારમાં નિયમિત પેટ્રોલીંગ કરવામાં આવે.
ન્યુ રાણીપમાં આવેલા બલોલનગર બ્રીજના રસ્તાની વચ્ચે મંગળવારે રાતના સમયે વાહન મુકીને રસ્તો બાનમાં લીધા બાદ જઇ રહેલા વાહનચાલકોને રોકીને છરી, પાઇપ અને લાકડી સહિતના ઘાતક હથિયારો સાથે ઉભા રહેલા સાત માથાભારે તત્વોએ માર માર્યો હતો. સાથેસાથે એક સ્કૂટર અને બાઇકની લૂંટ કરીને સરસ્વતીનગરમાં લઇ જઇને તોડી નાખ્યા હતા.આ બનાવ બાદ સાબરમતી પોલીસની કામગીરી પર અનેક પ્રશ્નો ઉભા થયા હતા અને ઉચ્ચ અધિકારીઓ આ મામલે ગંભીરતા દાખવીને પોલીસ ઇન્સ્પેક્ટર અને સ્ટાફને સુચના આપતા અલગ અલગ ટીમ બનાવીને છ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. આ અંગે ડીસીપી ઝોન-૨ ભરત રાઠોડે જણાવ્યું કે ઝડપાયેલા છ આરોપીઓ પૈકી ત્રણ આરોપીઓ હત્યા સહિતના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા છે. આ વિસ્તારમાં ૨૦૦ જેટલા પોલીસ કર્મચારીઓ, પાંચ પોલીસ ઇન્સ્પેક્ટર, બે એસીપી અને ડીસીપી દ્વારા કોમ્બીંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં આ વિસ્તારમાં રહેતા અસામાજીક તત્વો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
બીજી તરફ સ્થાનિક લોકોએ જણાવ્યું કે બલોલનગર અને સરસ્વતીનગરમાં અસામાજીક તત્વોનો આતંક સતત વધી રહ્યો છે. પરંતુ, પોલીસ દ્વારા સતોષકારક કાર્યવાહી કરવામાં ન આવતા માથાભારે તત્વો વધુ સક્રિય થયા છે. આ ઉપરાંત, બલોલનગર બ્રીજ પરથી પસાર થતા લોકો પણ ભય જોવા મળ્યો હતો.