ત્રાગડમાં સિલિન્ડરમાંથી ગેસને અન્ય સિલિન્ડરમાં ભરવાનું કૌભાંડ ઝડપાયું
ગેસ એન્જસીના સ્ટાફની સંડોવણીની શક્યતા
મોટરની મદદથી ડોમેસ્ટીક ગેસ સિલિન્ડરમાંથી કોર્મશીયલ સિલિન્ડરમાં ગેસ ભરીને બજારમાં વેચાણ થતુ હતું
અમદાવાદ,બુધવાર
સાબરમતીના ત્રાગડમાં આવેલા એક ગોડાઉનમાં ડોમેસ્ટીક ગેસ સિલિન્ડરમાંથી ગેરકાયદે ગેસની ચોરી કરીને કોમર્શીયલ સિલિન્ડરમાં ભરીને બારોબાર વેચાણ કરવાનું મોટુ કૌભાંડ સામે આવ્યુ છે. જે અંગે સાબરમતી પોલીસે ગુનો નોંધીને ૬૩ જેટલા ગેસ સિલિન્ડર સાથે મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. સાબરમતી પોલીસના સ્ટાફને બાતમી મળી હતી કે ત્રાગડ ગામમાં આવેલા રાજુભાઇના ગોડાઉનમાં ગેરકાયદે ગેસ સિલિન્ડરમાંથી ગેસ ચોરી કરવાનું કૌભાંડ મોટાપ્રમાણમાં ચલાવવામાં આવે છે. જેના આધારે પોલીસે દરોડો પાડીને તપાસ કરતા મણીલાલ પરમાર (પાશ્વ રેસીડેન્સી, ત્રાગડ) નામનો વ્યક્તિ મળી આવ્યો હતો. જે ડોમેસ્ટીક સિલિન્ડરમા પાઇપ લગાવીને મોટરની મદદથી ગેસને કોમર્શીયલ સિલિન્ડરમાં લેતો હતો. બાદમાં કોમર્શીયલ સિલિન્ડરને ઉંચી કિંમતે વેચાણ કરતો હતો. પોલીસે તપાસ કરતા સ્થળ પરથી ૬૩ ગેસ સિલિન્ડર અને ગેસ ચોરી કરવાના સાધનો મળી આવ્યા હતા. ગેસ સિલિન્ડર વિવિધ સ્થાનિક ગેસ એજન્સીના સ્ટાફની મિલીભગતથી લાવવામાં આવતા હતા. જેમાં ડોમેસ્ટીક સિલિન્ડરમાંથી બે થી ત્રણ કિલો ગેસની ચોરી કરવામાં આવતો હતો. આમ, મોટાપાયે કૌભાંડ ચલાવવામાં આવતુ હતું. આ અંગે સાબરમતી પોલીસે તપાસ શરૂ કરી છે.