Mobile Phones found in Sabarmati Central Jail: અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ(જૂની) જેલમાં ફરી એકવાર આરોપી પાસેથી મોબાઈલ સહિતની વસ્તુ ઝડપાતા ખળભળાટ મચી ગયો છે. અહીં જેલર અને તેમની સ્પેશિયલ સ્ક્વોડ દ્વારા સૌથી હાઈ સિક્યોરિટી સેલમાં અચાનક તપાસ કરવામાં આવી હતી, જેમાં પાકા કામના કેદીએ છતમાં બાખું પાડીને સિમેન્ટની શીટની અંદર છુપાવેલો મોબાઈલ, સિમકાર્ડ અને ચાર્જર સહિતની વસ્તુ મળી આવી હતી. મહત્ત્વનું છે કે, કેદી પાસે આ વસ્તુ કેવી રીતે આવી અને કોને આપી તે અંગે રાણીપ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સાબરમતી સેન્ટ્રલ જેલમાં સ્પેશિયલ સ્ક્વોડનું ચેકિંગ
મળતી માહિતી મુજબ, ગત 6 જાન્યુઆરી, 2026ના રોજ ઇન્ચાર્જ જેલર મોહસીન ખાન પઠાણ જુની જેલમાં તેમની સ્પેશિયલ સ્ક્વોડની ટીમ દ્વારા હાઈ સિક્યોરિટી સેલમાં રુટિન ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સેલ નંબર 1મા 43 વર્ષીય કેદી વિશાલ ગોસ્વામીની હિલચાલ જોતા ટીમને શંકા થઈ હતી. આ પછી સેલમાં વધુ તપાસ કરતી વખતે છતમાં સિમેન્ટની શીટનો તૂટેલો ભાગ જોવા મળ્યો હતો. જેને લીધે જેલર દ્વારા સેલને સીલ કરી દેવામાં આવ્યો હતો.
જેલમાંથી આઈફોન અને સીમકાર્ડ સહિતનો મુદ્દામાલ જપ્ત
બીજા દિવસે એટલે કે, 7 જાન્યુઆરી, 2026ના રોજ સ્પેશિયલ સ્ક્વોડ ટીમ સીડી લઈને ફરીથી સર્ચ માટે પહોંચી હતી. સ્ક્વોડના જવાન દ્વારા છતના તૂટેલા ભાગમાં એક બાખામાં હાથ નાખતાં તેમાંથી લાકડી સાથે બાંધેલો એક પ્લાસ્ટિકનો ડબ્બો મળ્યો હતો. આ ડબ્બાને ખોલતા તેમાંથી એક આઈફોન, ચાર્જિંગ કેબલ, સીમકાર્ડ અને મેમરી કાર્ડ સાથે એક કીપેડ ફોન સહિત એક ચાર્જર મળી આવ્યું હતું. આ ઉપરાંત સેલના લાકડાના પાટીયાની તિરાડમાંથી અન્ય એક તૂટેલું સીમકાર્ડ પણ જપ્ત કરવામાં આવ્યું હતું.
જેલકર્મીઓની સંડોવણી અંગે તપાસનો ધમધમાટ
ઉલ્લેખનીય છે કે, આ મામલે રાણીપ પોલીસ સ્ટેશનમાં વિશાલ ગોસ્વામી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેલમાં હાઈ સિક્યુરિટી ઝોનમાં મોબાઈલ, સીમકાર્ડ અને ચાર્જર સહિતની વસ્તુ કોની મદદથી પહોંચી, આમાં કોઈ જેલકર્મી કે બહારની વ્યક્તિની સંડોવણી છે કે નહીં. આ ઉપરાંત કેદીએ જેલમાંથી કોઈ ખંડણી કે અન્ય ગુનાહિત નેટવર્ક ચલાવ્યું છે કે નહીં તે અંગે પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે.
સાબરમતી જેલ: વિવાદોનો જૂનો ઈતિહાસ
અગાઉ અતિક અહમદે સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી બેઠા બેઠા હત્યા કરાવી હતી. આ ઉપરાંત જેલમાંથી ગાંજો ઝડપાયો છે. જેલમાં આતંકીની પણ અન્ય કેદીઓએ આંખ ફોડી નાખી હતી. જેલમાંથી અનેક વખત મોબાઈલ ફોન મળી આવ્યા છે. આમ જેલ અનેક વિવાદમાં આવી ચૂકી છે ત્યારે કુખ્યાત ગુનેગાર પાસેથી 2 મોબાઈલ ફોન મળી આવતા વધુ વિવાદ થયા છે.


