Get The App

સાબરકાંઠા: હિંમતનગરના માથાસુલિયા ગામે પરિવાર ઊંઘતો રહ્યો અને ચોરો 8 લાખની ચોરી કરી રફુચક્કર

Updated: Jun 7th, 2026

GS TEAM

Google News
Google News
સાબરકાંઠા: હિંમતનગરના માથાસુલિયા ગામે પરિવાર ઊંઘતો રહ્યો અને ચોરો 8 લાખની ચોરી કરી રફુચક્કર 1 - image


Sabarkantha Theft: સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરના માથાસુલિયા ગામે ગત રાત્રે તસ્કરોએ એક ઘરને નિશાન બનાવ્યું હતું. રાત્રિના સમયે પરિવારના તમામ સભ્યો ઘરની આગળના ભાગે આવેલી ઓસરીમાં સુતા હતા. આ દરમિયાન તસ્કરોએ ઘરના પાછળના ભાગેથી અંદર ઘૂસીને રોકડ અને દાગીના સહિત આશરે 8 લાખ રૂપિયાના મુદ્દામાલની મતાની ચોરી કરી રફુચક્કર થઈ ગયા હતા.

રસોડાની જાળીના સળિયા તોડી ઘરમાં પ્રવેશ કર્યો

મળતી માહિતી અનુસાર, તસ્કરોએ ચોરી કરવા માટે ઘરના પાછળના ભાગના રસોડાની બારીમાં લગાવેલી લોખંડની જાળીના સળિયા તોડી નાખ્યા હતા અને ત્યાંથી ઘરમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ ઘરમાં રાખેલી તિજોરીના તાળા તોડી નાખ્યા હતા. તિજોરીમાં રાખેલા સોના-ચાંદીના મોંઘા દાગીના અને ઘર વપરાશ તેમજ અન્ય કામ માટે રાખેલી રોકડ રકમ પર તસ્કરોએ સરળતાથી હાથ સાફ કરી દીધો હતો. સવારે જ્યારે પરિવાર જાગ્યો અને પાછળના રૂમમાં સામાન વેરવિખેર જોયો ત્યારે ચોરી થઈ હોવાનો અહેસાસ થયો હતો.

આ પણ વાંચો: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર રક્તરંજિત, ત્રિપલ અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ, 4ના મોત

ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ 

આ ઘટના અંગે ભોગ બનનાર પરિવાર દ્વારા તાત્કાલિક સ્થાનિક ગાંભોઈ પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને જોતા પોલીસ કાફલો માથાસુલિયા ગામે દોડી આવ્યો હતો અને અજાણ્યા તસ્કરો વિરૂદ્ધ ચોરીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.