Gujarat

ઈડર: હડકાયા શ્વાને ભેંસને બચકું ભર્યું, દૂધ પીનારા 20થી વધુ લોકો સિવિલ દોડ્યા

By GS TEAM
5 Mar 20262 mins read
TukuTouch Logo
સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના લાલોડા ગામમાં એક ચોંકાવનારી અને આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. એક હડકાયા શ્વાને ભેંસને બચકું ભર્યા બાદ ભેંસનું મોત થતા ગામમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ ઘટનામાં સૌથી વધુ ચિંતાની વાત એ છે કે, શ્વાન કરડ્યા બાદ જે ભેંસને હડકવા થયો હતો તેનું દૂધ પીનારા 20થી વધુ લોકોએ તાત્કાલિક હોસ્પિટલ દોડી જવું પડ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈડર: હડકાયા શ્વાને ભેંસને બચકું ભર્યું, દૂધ પીનારા 20થી વધુ લોકો સિવિલ દોડ્યા

Sabarkantha News: સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના લાલોડા ગામમાં એક ચોંકાવનારી અને આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. એક હડકાયા શ્વાને ભેંસને બચકું ભર્યા બાદ ભેંસનું મોત થતા ગામમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ ઘટનામાં સૌથી વધુ ચિંતાની વાત એ છે કે, શ્વાન કરડ્યા બાદ જે ભેંસને હડકવા થયો હતો તેનું દૂધ પીનારા 20થી વધુ લોકોએ તાત્કાલિક હોસ્પિટલ દોડી જવું પડ્યું છે.

શું છે સમગ્ર ઘટના?

મળતી માહિતી મુજબ, સાત દિવસ પહેલા લાલોડા ગામમાં એક હડકાયા શ્વાને એક પશુપાલકની ભેંસને બચકું ભર્યું હતું. શ્વાનના કરડવાથી ભેંસમાં હડકવાના લક્ષણો દેખાવા લાગ્યા હતા અને અંતે આજે તે ભેંસનું કરુણ મોત નીપજ્યું હતું. ભેંસના મોત બાદ પશુપાલક અને તેમના પરિવારમાં ફાળ પડી હતી, કારણ કે હડકવાગ્રસ્ત ભેંસનું દૂધ પરિવાર અને આસપાસના લોકોએ વાપર્યું હતું.

ઈડર સિવિલમાં લોકોની લાઈનો લાગી

ભેંસનું મોત થતા જ દૂધ પીનારા લોકોમાં ભારે ફફડાટ જોવા મળ્યો હતો. હડકવા લાગવાની બીકે લોકો તાત્કાલિક ઈડર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. તબીબોએ પણ સ્થિતિની ગંભીરતા જોઈને તાત્કાલિક રસીકરણ શરૂ કર્યું હતું. અત્યાર સુધીમાં 20 થી વધુ લોકોએ હડકવા વિરોધી ઇન્જેક્શન લીધા છે. હડકાયા પશુનું દૂધ પીવાથી ચેપ લાગવાની ભીતિને કારણે લોકો ચિંતિત છે. સાવચેતીના ભાગરૂપે તમામ અસરગ્રસ્તોને રસીનો કોર્સ પૂરો કરવા સૂચના અપાઈ છે.

ડૉક્ટરનું શું કહેવું છે?

સિવિલ હોસ્પિટલ ઇડરના ડૉક્ટર સંજયકુમાર ચૌહાણે કહ્યું કે, આજે ઈમરજન્સી વિભાગમાં લોલાડા ગામના 20 લોકોને હડકવા વિરોધી રસી આપવામાં આવી છે. લોકોએ જણાવ્યું છે કે સાત દિવસ પહેલા ભેંસને કૂતરું કરડ્યું હતું, જે બાદ ભેંસને હડકવા ઊપડતાં તેનું મોત થયું હતું. જેનું દૂધ જે લોકોએ પીધું હતું તેમનામાં ડરનો માહોલ ઊભો થયો હતો. તે ડર દૂર કરવા અને કોઈ શંકામાં આવે નહીં તે માટે 20 લોકોએ હડકવા વિરોધી રસી લીધી છે. તેમણે અન્ય કોઈ બીજી સારવારની જરૂર નથી એટલે તેમને ઘરે મોકલી દેવામાં આવ્યા છે. આ પ્રકારના દર્દીને ચાર ડોઝ લેવાના થતાં હોય છે.

આ પણ વાંચો: PSI બનવાનું સપનું અધૂરું રહ્યું, વડોદરામાં મહિલા કોન્સ્ટેબલે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચકચાર

પશુપાલકોમાં ચિંતાનો માહોલ

સામાન્ય રીતે કૂતરાના કરડવાથી માણસોમાં હડકવા ફેલાતો હોય છે, પરંતુ પશુ દ્વારા દૂધ વાટે સંક્રમણની આશંકાએ ગ્રામજનોમાં ભયનો માહોલ પેદા કર્યો છે. હાલમાં આરોગ્ય વિભાગ દ્વારા પણ સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.