Get The App

અરવલ્લીના પહાડો-જંગલો બચાવો! આવતીકાલે ખેડબ્રહ્મામાં ચૈતર વસાવાનું જન સંમેલન, આંદોલનની ચિમકી

Updated: Dec 22nd, 2025

GS TEAM

Google News
Google News
અરવલ્લીના પહાડો-જંગલો બચાવો! આવતીકાલે ખેડબ્રહ્મામાં ચૈતર વસાવાનું જન સંમેલન, આંદોલનની ચિમકી 1 - image


Aravalli Hill Protest: અરવલ્લીની ગિરિમાળાઓ અને જંગલોના સંરક્ષણ માટે આવતીકાલે મંગળવારે ઉત્તર ગુજરાતમાં વિરોધનો સૂર બુલંદ થશે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને આદિવાસી નેતા ચૈતર વસાવા દ્વારા 23 ડિસેમ્બરે ખેડબ્રહ્માના ખરોજ ખાતે એક વિશાળ જન સંમેલન અને ચિંતન સભાનું આયોજન કરવામાં આવ્યું છે.

"એક પેડ મા કે નામ" માત્ર વાતો જ: ચૈતર વસાવાના પ્રહાર

ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, "એક બાજુ વડાપ્રધાન મોદી ‘એક પેડ મા કે નામ’ જેવા અભિયાનની વાતો કરે છે અને બીજી બાજુ વિકાસના નામે લાખો વૃક્ષો કાપી નાખવામાં આવી રહ્યા છે. માત્ર વાતો કરવાથી જંગલો સચવાતા નથી. આદિવાસીઓ અને અન્ય સમુદાયોએ પેઢીઓથી આ જંગલોનું જતન કર્યું છે, પરંતુ સરકાર હવે તેને ઉદ્યોગપતિઓના હવાલે કરવા માંગે છે."

ખનન અને ઉદ્યોગપતિઓ સામે લડતની રણનીતિ

ચૈતર વસાવાએ ગંભીર આક્ષેપ કર્યો હતો કે ભાજપ સરકાર ઉદ્યોગપતિઓના ઈશારે જંગલો અને પહાડો ખનન (Mining) માટે આપી રહી છે. ખનીજો અને ખનન માટે સરકાર જે નવા કાયદાઓ લાવી રહી છે, તેની સામે જનતામાં ભારે રોષ છે. રોડ-રસ્તા અને વિકાસના બહાને અરવલ્લીના પહાડોને ખાણ-ખનીજ માફિયાઓને પધરાવી દેવાનું આયોજન હોવાનો દાવો તેમણે કર્યો છે.

ખરોજમાં ઉમટશે જનમેદની, જન આંદોલનની તૈયારી

આવતીકાલે ખેડબ્રહ્માના ખરોજમાં હજારો લોકો એકઠા થશે તેવી શક્યતા છે. આ કાર્યક્રમમાં અરવલ્લી બચાવવા માટે કયા કાયદાકીય અને સામાજિક પગલાં લઈ શકાય તેની ચર્ચા થશે. પર્યાવરણના બચાવ માટે સરકાર સમક્ષ ચોક્કસ માંગણીઓ રજૂ કરવામાં આવશે. આ સાથે ગુજરાતના જંગલો અને પહાડીઓને બચાવવા માટે જનતાને સાથે રાખીને આગામી લડતની રૂપરેખા તૈયાર કરાશે.

આ પણ વાંચો: અરવલ્લી પર્વતમાળા મુદ્દે ભ્રમ ના ફેલાવશો, 90 ટકા વિસ્તાર સંરક્ષિત: કેન્દ્ર સરકારનો દાવો

AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ હુંકાર કર્યો છે કે, "અરવલ્લીની પહાડી અને ગુજરાતના જંગલોને બચાવવા માટે અમે અંતિમ શ્વાસ સુધી લડીશું. આ પ્રકૃતિ અમારી છે અને તેને ખનન માફિયાઓના હાથે લૂંટાવા નહીં દઈએ."  આ સંમેલન બાદ ઉત્તર ગુજરાતમાં પર્યાવરણ અને જમીન બચાવવાનું આંદોલન વધુ તેજ બને તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.