ગેરેજના ખુલ્લા પ્લોટમાં બાળકીને ત્યજીને નિષ્ઠુર માતા ફરાર
માતા દૂધની બોટલ પણ બાળકી પાસે છોડીને ગઇ : બાળકી સયાજીમાં દાખલ
વડોદરા,કપુરાઈ ચોકડીથી તરસાલી તરફ જવાના સવસ રોડ ઉપર ગેરેજની પાછળના ખુલ્લા પ્લોટના ખાડામાં અઢી મહિનાની નવજાત બાળકીને બિનવારસી હાલતમાં ત્યજીને માતા ફરાર થઇ ગઇ હતી.
આજે બપોરે કપુરાઇ ગેરેજ પાસે આવેલા ગેરેજમાં કામ માટે આવેલા વ્યક્તિએ નવજાત બાળકનો રડવાનો અવાજ સાંભળતા તેણે ગેરેજમાં કામ કરતા મિત્રને જાણ કરી હતી.બંનેએ ત્યાં જઇને જોયુંં તો કપડામાં લપેટેલી બાળકી હાથ પગ હલાવીને રડી રહી હતી. જેથી, એમ્બ્યુલન્સ તથા વરણામાં પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ બનાવ સ્થળે પહોંચી બાળકીને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ ગઇ હતી. આ સમગ્ર ઘટના ગેરેજમાં ફિટ કરેલા સીસીટીવી કેમેરામાં કેદ થતા પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે મહિલાની શોધખોળ હાથ ધરી છે. મહિલા બાળકી પાસે દૂધની બોટલ પણ છોડી ગઇ હતી.