દિવાળીનાં તહેવારોમાં ટ્રેન - હોટલોનાં બુકીંગમાં ધસારો, ફલાઈટનાં ભાડા આસમાને
કોરોનાનો ડર નહિ રહેતા પ્રવાસન ઉધોગમાં તેજીનો કરંટ : હિમાચલ - કાશ્મીરની સાથે દુબઈ - સિંગાપોર તરફ જવાનો ક્રેઝ, દિવાળી બાદ રાજકોટથી જમ્મુ જતી ટ્રેનમાં અત્યારથી 158 નું વેઈટીંગ
રાજકોટ, : આ વર્ષે દિવાળીનાં તહેવારો પર કોરોનાનો કોઈ ડર નહિ રહેતા બે વર્ષ બાદ લોકોમાં પરિવાર સાથે બહાર ફરવા જવાનાં પ્લાન બનાવી રહયા છે. સૌરાષ્ટ્રવાસીઓ દર વર્ષે દિવાળી ઉપર એકાદ સપ્તાહ રોજગાર - ધંધા બંધ રાખીને વતન અથવા તો પ્રવાસન સ્થળોએ નીકળી જતા હોય છે. આ વર્ષે દિવાળીનાં તહેવારોનાં હોટલ - ટ્રેનનાં બુકીંગ માટે ટુર ઓપરેટરો પાસે સતત ઈન્કવાયરી આવી રહી છે. ફલાઈટનાં ભાડામાં પણ દોઢાથી બમણો દિવાળીનાં દિવસોમાં વધારો જોવા મળી રહયો છે.
સૌરાષ્ટ્ર - ગુજરાતનાં પ્રવાસન ઉધોગમાં કોરોના કાળનાં બે - અઢી વર્ષ બાદ તેજીનો કરંટ જોવા મળી રહયો છે. નવરા ધૂપ બેસતા ટ્રાવેલ્સ એજન્ટો અને ટૂર ઓપરેટરોને આ વર્ષે દિવાળીનાં બુકીંગનું કામ મળી રહયુ છે. ટ્રાવેલ બિઝનેસ સાથે જોડાયેલા સૂત્રોએ જણાંવ્યુ હતું કે કોરોના કાળમાં ઠપ થઈ ગયેલા પ્રવાસન ઉધોગમાં આ વર્ષે દિવાળી પર રોનક જોવા મળે તેવા સંકેતો મળી રહયા છે. સૌરાષ્ટ્રમાંથી ખાસ કરીને દિલ્હી - જમ્મુ - કાશ્મીર અને હિમાચલ, ઉતરાખંડ તરફ જવાનાં બુકીંગ વધી રહયા છે જયારે દક્ષિણમાં કેરળ તરફનો ટ્રાફિક નથી.
ડોમેસ્ટિક ઉપરાંત ઈન્ટરનેશનલ ટ્રાવેલ માટે પણ ઈન્કવાયરી વધી રહી છે. દુબઈ, સિંગાપોર જવાનો ક્રેઝ જોવા મળી રહયો છે. તા. 22 ઓકટોબરે ચોથો શનિવાર આવતો હોવાથી ત્યારથી દિવાળીનાં તહેવારોની રજાનો માહોલ છવાઈ જશે. તા. 24 મીએ દિવાળી અને તા. 25 મીએ ધોકો અને તા. 26 મીએ બેસતુ વર્ષ આવી રહયુ છે. દિવાળી બાદ તા. 25 મીએ રાજકોટથી જમ્મુ જતી ટ્રેનમાં સ્લીપર કલાસમાં અત્યારથી 158 નું વેઈટીંગ ચાલી રહયુ છે. દિલ્હી અને હરિદ્વાર તરફ જતી ટ્રેનમાં પણ આવોજ ધસારો જોવા મળી રહયો છે. ફલાઈટનાં ભાડા પણ આ દિવસોમાં દોઢા થી બમણાં થઈ ગયા છે. જાણીતા પ્રવાસન સ્થળો પર હોટલોનાં ભાડામાં પણ 10 થી 20 ટકાનો વધારો ઝીંકી દેવાયો હોવાનું જાણવા મળે છે.