કોમર્સમાં ધસારો, ત્રીજા રાઉન્ડમાં સ્થાનિક વિદ્યાર્થીઓ માટે ૫૪ ટકાએ પ્રવેશ અટકયો
વડોદરાઃ રાજ્ય સરકારના જીકાસ પોર્ટલ હેઠળ રાજ્યની સરકારી યુનિવર્સિટીઓમાં ધો.૧૨ પછી એડમિશનનો ત્રીજો રાઉન્ડ તા.૬ જૂનથી તા.૯ જૂન સુધી યોજાશે.
એમ.એસ.યુનિવર્સિટીની સૌથી મોટી કોમર્સ ફેકલ્ટીએ ત્રીજા રાઉન્ડની પ્રવેશ યાદીમાં ૪૩૨ વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો છે.કોમર્સ ફેકલ્ટીમાં ૬૪૩૨ બેઠકો છે અને બે રાઉન્ડના અંતે ૬૧૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ફી ભરી દીધી છે.ત્રીજા રાઉન્ડમાં અગાઉ નક્કી કરેલી બેઠકો કરતા ૧૦૦ બેઠકો વધારીને પ્રવેશ યાદી જાહેર કરાઈ છે.જે પ્રમાણે જનરલ એજ્યુકેશન બિલ્ડિંગ અને પાદરા કોલેજમાં જનરલ કેટેગરીમાં સ્થાનિક વિદ્યાર્થીઓ માટે ૫૪ ટકાએ અને બહારગામના વિદ્યાર્થીઓ માટે ૭૮.૯૩ ટકાએ પ્રવેશ અટકયો છે.આમ અત્યાર સુધીની પ્રવેશ કાર્યવાહીમાં સૌથી વધારે ધસારો કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ માટે જોવા મળ્યો છે.જો પ્રવેશનો ચોથો રાઉન્ડ નહીં યોજાય તો ૫૪ ટકાથી નીચે માર્કસવાળા સ્થાનિક વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહેશે.
કોમર્સથી ઉલટું સાયન્સ ફેકલ્ટીમાં એફવાયમાં પ્રવેશ માટે અપેક્ષા કરતા ઓછો ધસારો રહ્યો છે.સાયન્સ ફેકલ્ટીની ગ્રાન્ટ ઈન એઈડની ૧૧૦૦ જેટલી અને હાયર પેમેન્ટની ૪૦૦ જેટલી એમ ૧૫૦૦ બેઠકો માટે અત્યાર સુધીમાં માત્ર ૪૫૧ વિદ્યાર્થીઓએ જ ફી ભરી છે.પ્રવેશના ત્રીજા રાઉન્ડ માટે તા.૬ જૂનના રોજ પ્રવેશ યાદી જાહેર કરાશેે.આમ સાયન્સમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં આ વખતે ધરખમ ઘટાડો થાય તેવા એંધાણ છે.
આર્ટસ ફેકલ્ટીમાં ૧૮૦૦ જેટલી બેઠકોની સામે અત્યાર સુધીમાં ૮૬૨ જેટલા વિદ્યાર્થીઓએ ફી ભરી છે.આમ આર્ટસમાં ૫૦ ટકાથી ઓછી બેઠકો પર વિદ્યાર્થીઓએ હજી સુધી ફી ભરી છે.