Vadodara Corporation : વડોદરા ટાઉન ડેવલોપમેન્ટ શાખા દ્વારા નગર રચના યોજનાઓના ફાયનલ પ્લોટ માપણી તેમજ ટી.પી. રોડની માપણી કરી ડીમાર્કેશન કરવા માટેની કામગીરી માટે મંજુર ભાવપત્રકની વાર્ષિક ઇજારાના મંજુર થયેલા ભાવથી ભાવમાં 10% વધારા સાથે રૂ.60 લાખની મર્યાદામાં કામગીરી કરાવવા તથા કામગીરીની સમય મર્યાદા ડીસેમ્બર 2025 સુધી વધારેલ સોંપવામાં આવેલ ચાર એજન્સીઓએ તેમના પત્રમાં જણાવ્યા અનુસાર કામગીરી ડીસેમ્બર 2025 સુધીના આપેલી સમય મર્યાદામાં પૂર્ણ થઇ શકે તેમ ન હોઇ, નગર રચના યોજનાઓનો અંતિમ અવોર્ડ ન થાય ત્યાં સુધી યોજનાની આનુસાંગિક તમામ બાકી રહેતી કામગીરી અંગે તેમજ તેના આનુસંગિક રેકોર્ડ અને નીમતાણા ડી.આઈ.એલ.આર. પાસે સર્ટીફાઈડ કરવા અંગેની કામગીરી માટેની સમય મર્યાદા તેમજ ભાવમાં 10% કરેલા વધારામાં વધુ 10%ના ભાવ વધારા મળી જે તે વખતના ભાવમાં 20%નો ભાવ વધારા સાથે રૂ.60 લાખની મર્યાદામાં ઉપરોક્ત ચાર એજન્સીઓ પાસેથી કામગીરી કરાવવા મંજુર સુચિત ટી.પી. સ્કીમ નં. 54 (ગોરવા)ની કામગીરી એક સમાન પ્રકારની કામગીરી હોય, અલગથી નવિન ટેન્ડર પ્રક્રિયામાંથી બાધ લેવાઈ હાલની ટી.પી. સ્કીમની કામગીરી કરતી એજન્સીઓ પાસે સંયુક્ત અથવા અલાયદી કામગીરી કરાવવા અંગેની આનુસાંગિક તમામ સત્તા મ્યુનિસિપલ કમિશ્નરને આપવાની બાબતે ચર્ચા થઈ હતી.
જેમાં કોંગ્રેસના કોંગ્રેસ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ (ભથ્થુ)એ જણાવ્યું હતું કે, આ અમલ માત્ર ટીપી 54માં જ કેમ લાગુ કરવામાં આવે છે? અમારી માંગ છે કે, સમગ્ર શહેરમાં જ્યાં ડ્રાફ્ટ ટીપી મંજૂર થયેલો છે ત્યાં તેનો અમલ કરાવો તો દરેક ટીપીમાં રોડ, રસ્તા ખુલ્લા થાય અને પ્રજાહિતનું કામ થાય. જે સામે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું કે, આપણી કુલ 21 ટીપી પેન્ડિંગ છે, એક સાથે તમામ ટીપી પર કામ ચાલી રહ્યું છે. આ કામ માત્ર એકાદ ટીપી પૂરતું નથી પરંતુ બાકી તમામ ટીપીને વેગ આપવા છે. 21માંથી 11 ટીપીનું કામ આ વર્ષે હાથ પર લીધું છે જેમાં ઓજી વિસ્તાર તરસાલી, ભાયલી સહિતના વિસ્તારનો સમાવેશ કરવામાં આવ્યો છે. ચર્ચા બાદ કામને મંજૂરી અપાતા વર્ષોથી ગોરવામાં ઉપસ્થિત થયેલ પ્રશ્નોનું હવે નિરારણ આવવાનું શરૂ થશે.
ગોરવામાં ટીપી 54નો અમલ થતાં 38 જેટલી સોસાયટીના ગેરકાયદેસર દબાણો દૂર થશે
સમગ્ર કામ મંજૂર થતા ગોરવા વિસ્તારમાં આવેલ ટીપી નંબર 54 લાગુ થઈ જશે. જેથી આ વિસ્તારમાં રોડ, રસ્તાની જગ્યા સ્પષ્ટ થશે. જે અંગે ભાજપના કોર્પોરેટર શ્રીરંગ આયરેએ જણાવ્યું કે, તત્કાલીન મેયર દલસુખકાકાથી લઈ અત્યાર સુધી અમારા વિસ્તારના તમામ કોર્પોરેટરો આ કામ મંજૂર કરાવવાનો પ્રયત્ન કરી ચૂક્યા છે. અહીં ટીપી ખુલ્લી થતા વિસ્તારની 37થી 38 સોસાયટીઓને આવી લેવાશે. જેના કારણે ગોરવાથી ગોત્રી સરળતાથી જઈ શકાશે. અત્યારે જવાના રસ્તા એટલા સાંકળા છે કે ત્યાં એક તરફવાળા રસ્તે જઈને એ જ રસ્તે પરત આવવું પડે છે અને કોઈ જગ્યાએ એક્ઝિસ્ટીંગ રોડ નથી. તેના કારણે ફાયર બ્રિગેડ કે અન્ય મોટા વાહનો પણ જઈ શકતા નથી. ટીપીનો અમલ શરૂ કરાશે તો વિસ્તારની અસંખ્ય સોસાયટીના પાકા મકાનો પણ દૂર કરવામાં આવશે અને જે લોકોએ ઇમ્પેક્ટ ફી ભરી દબાણ કર્યું છે તેવા નડતરરૂપ દબાણો દૂર કરી જનહિતનું કામ કરી શકાશે. લોકોને નવાયાર્ડથી ગોત્રી જવું હોય તો મુખ્ય માર્ગ પર ફરીને જવું પડે છે તેની જગ્યાએ સરળતાથી પહોંચી શકાશે.


