સુરત પાલિકાની પ્રિમોન્સુન કામગીરીથી શાસકો સંતુષ્ટ, ખાડી સફાઈની નબળી કામગીરી સામે નારાજ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Corporation Pre Monsoon : સુરત પાલિકામાં દર ચોમાસાએ સર્જાતી સ્થિતિને ધ્યાને રાકીને પાલિકા તંત્રએ પ્રિમોન્સુન કામગીરી કરી હતી. પાલિકામાં પદાધિકારીઓની નિમણુંક બાદ આજે પ્રિમોન્સુન કામગીરીનું પ્રેઝન્ટેશન શાસકો સમક્ષ કરવામાં આવ્યું હતું. પાલિકાની પ્રિમોન્સુન કામગીરીથી શાસકો સંતુષ્ટ થયા છે પરંતુ ખાડી સફાઈની નબળી કામગીરી સામે નારાજ થયા છે. મીંઢોળા નદીમાં પાણીનો સરળતાથી વહન ન થાય તો, પાલિકાએ કરેલી ખાડી સફાઇ, ડ્રેજિંગ સહિતની કામગીરીનો કોઈ અર્થ રહેતો નથી તેથી અસરકારક કામગીરી માટે શાસકોએ તાકીદ કરી છે. જોકે, મ્યુનિ. કમિશ્નરે આગામી દિવસોમાં સંકલન બેઠક કરીને સમસ્યાનો હલ કરવા માટે ખાતરી આપી છે.
આજે મેયરની અધ્યક્ષતામાં પ્રિમોન્સુન કામગીરીની સમીક્ષા થઈ હતી. જેમાં ઇન્ચાર્જ સિટી ઇજનેર ધર્મેશ ભગવાગર દ્વારા પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. શહેરમાં રસ્તાઓના ખોદાણના કિસ્સામાં વોટરિંગ કરાવી રસ્તા રીસ્ટોરેશનની કામગીરી મોટાભાગે પૂર્ણ કરવામાં આવી છે અને ચોમાસા દરમિયાન રોડના પેચવર્કની કામગીરીïના ભાગરૂપે બે હોટમિક્ષ પ્લાન્ટ પણ તૈયાર કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. ચોમાસા દરમિયાન ભારે વરસાદની સ્થિતિમાં શહેરમાં પાણી ભરાવાની ઊભી થતી સમસ્યા થતી હતી તેને ધ્યાનમાં રાખીને નીચાણવાળા વિસ્તારની કામગીરીમાં વધુ ધ્યાન આપી કામગીરી કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. આ પ્રેઝન્ટેશન બાદ પ્રિ-મોન્સૂન કામગીરી બાબતે મેયર સહિતના પદાધિકારીઓએ સંતોષ વ્યક્ત કર્યો છે.
જોકે, ખાડી સફાઈની કામગીરી યોગ્ય રીતે ન થઈ હોય તેના કારણે ફરી એકવાર સુરત પર ખાડી પુરનું સંકટ આવી શકે તેમ હોય શાસકોએ નારાજગી વ્યક્ત કરી હતી. ચોમાસા પૂર્વે ખાડી પૂર નિવારણની તૈયારીઓના મોટા મોટા દાવા વચ્ચે વાસ્તવિક સ્થિતિ ચિંતાજનક હોવાનું બહાર આવ્યું છે. શહેરની ખાડીની સફાઈ અને ડ્રેજિંગ કામગીરી પૂર્ણ થઈ હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે, પરંતુ જે સ્થળે આખરે પાણીનું નિકાલ થવાનું છે તે મીંઢોળા નદીના મુખે જ ગેરકાયદેસર ઝીંગા તળાવના દબાણ યથાવત હોવાનું બહાર આવ્યું હતું.
કામગીરી અંગે અસંતોષ વ્યક્ત કરતાં રાજન પટેલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે જો મીંઢોળા નદીમાં પાણીનું વહન સરળતાથી નહીં થાય તો ખાડીની સફાઈ અને ડ્રેજિંગ પાછળ કરેલો ખર્ચ તથા મહેનતનો કોઈ અર્થ રહેતો નથી. તેમણે જણાવ્યું કે ખાડી પૂર નિવારણ કમિટીના નિર્ણય મુજબ શહેરમાંથી પસાર થતી ખાડીનું પાણી મીંઢોળા નદીમાં અવરોધ વિના પહોંચી શકે તે માટે ડાયમંડ બુર્સ પાછળના વિસ્તારમાં ગેરકાયદેસર રીતે તાણી દેવાયેલા ઝીંગા તળાવ અને અન્ય દબાણ દૂર કરવાની જવાબદારી સિંચાઈ અને ખાડી વિભાગની હતી. જોકે હકીકતમાં આ કામગીરી માત્ર નામ પૂરી થઈ છે. સંબંધિત વિભાગ દ્વારા હજુ સુધી માંડ પાંચ ટકા કામગીરી જ પૂર્ણ કરવામાં આવી છે. આવી સ્થિતિમાં ખાડી પૂર નિવારણ માટે તૈયાર કરાયેલ સમગ્ર એક્શન પ્લાન કાગળો સુધી જ સીમિત રહી જશે. અને ચોમાસા દરમિયાન ભારે વરસાદ પડે અને મીંઢોળા નદીના મુખે પાણીના વહનમાં અવરોધ સર્જાય તો શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં ફરી પાણી ભરાવાની શક્યતા નકારી શકાતી નથી.
ત્યારબાદ મ્યુનિ.કમિશનરે આગામી સપ્તાહે જિલ્લા કલેક્ટર, સિંચાઈ વિભાગ અને સંબંધિત અધિકારીઓ સાથે સંયુક્ત બેઠક યોજી અટવાયેલી કામગીરી ઝડપથી પૂર્ણ કરાવવા માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવાનું આશ્વાસન આપ્યું હતું.








