આણંદમાં વેન્ડર ઝોન બનાવવાની માંગ સાથે પાથરણાંવાળાનો મનપામાં હોબાળો
- લારી સાથે મનપામાં ઘૂસી જઈ દેખાવો કરી આવેદનપત્ર
- ટૂંકી ગલીમાંથી હટાવી દેવાતા રોજગાર છીનવાયો : રાજા રોડ, રણછોડરાય માર્કેટ, જૂના બસ સ્ટેન્ડ પાસે જગ્યાની માંગણી
આણંદની ટૂંકી ગલીના લારીવાળાઓએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, આણંદ મહાનગરપાલિકા દ્વારા વર્ષોથી ટૂંકી ગલીમાં રોજગાર મેળવતા ફેરિયાઓને ખસેડી દઈને તેમને બેરોજગાર કરી દેવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી યોજના હેઠળ હવે તમામ લારીઓને મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક વેન્ડર ઝોન આપવામાં આવે. તેમજ ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગણી છે. મહાપાલિકા દ્વારા જે પણ જગ્યાએ વેન્ડર ઝોન બનાવી આપવામાં આવશે ત્યાં તમામ લારી- પાથરણાવાળા જતા રહેશે. હાલ લારીવાળાઓને છ મહિનાથી દૂર કરવામાં આવ્યા હોવાથી તમામ પરિવારોને આથક મુશ્કેલીઓનો સામને કરવો પડી રહ્યો છે. રોજગારના અભાવે બે ટાઈમ ખાવાની પણ તકલીફો ઊભી થઈ છે. ત્યારે મહાપાલિકા પાસે હાલ ઘણી જગ્યાઓ છે. ત્યારે રાજા રોડ, રણછોડરાય માર્કેટ, જૂના બસ સ્ટેન્ડ પાસે સહિતની કોઈ પણ જગ્યાએ શેડ મારીને સફાઈ કરીને વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તો રોજગાર મળી શકે તેમ છે.
આણંદ મહાનગરપાલિકાના ડે. કમિશનર નીલક્ષ મકવાણાએ જણાવ્યું હતું કે, ટૂંકી ગલી સંદર્ભે આવેદનપત્ર આપવામાં આવેલું છે. ટૂંકી ગલી રોડ ઉપર ટ્રાફિક અને દબાણની સમસ્યા સર્જાતી હતી. જેથી મહાનગરપાલિકા દ્વારા આ દબાણ દૂર કરાયા છે. તેમની વેન્ડર ઝોનની માંગણી એક પોલિસી મેટર છે. પરંતુ, તેમની સમસ્યાને ધ્યાનમાં લઈને વેન્ડર ઝોનની કાયદાકીય રીતે પ્લાનિંગ શરૂ કરવામાં આવશે અને ત્યારબાદ તે સંદર્ભે નિર્ણય લેવામાં આવશે.