ઓઢવ અને નિકોલમાં હિટ એન્ડ રનમાં બે યુવકના મોત
નિકોલમાં બાઇકની ટકકરથી પરિક્ષા આપવા જતા યુવકનું ઓઢવમાં ચાલતા જઇ રહેલ યુવકને ટ્રકે અડફેટે લેતા મોત
બન્ને કિસ્સામાં અકસ્માત કરી વાહન ચાલક ભાગી ગયા
અમદાવાદ, શનિવાર
પૂર્વ વિસ્તારમાં ઓઢવ અને નિકોલમાં હિટ એન્ડ રનના બે બનાવમાં બે યુવકોના મોત થયા હતા જેમાં નિકોલમાં કોલેજની પરિક્ષા આપીને આવી રહેલા વિધાર્થીના એક્ટિવાને બાઇક સાથે અથડાતા સારવાર દરમિયાન બેભાન અવસ્થામાં મોત થયું હતું. તેમજ ઓઢવ વેપારી મહામંડળ પાસે ચાલતા જઇ રહેલ યુવકને ટ્રક ચાલકે ટક્કર મારતા તેનું પણ બેભાન હાલતમાં મોત થયું હતું. બન્ને બનાવોમાં ટ્રાફિક પોલીસે ગુનો નોધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.
બન્ને યુવકોને બેભાન અવસ્થામાં હોસ્પિટલમાં દાખલ કરાયા સારવાર દરમિયાન મોત ઃ બન્ને કિસ્સામાં અકસ્માત કરી વાહન ચાલક ભાગી ગયા
નિકોલમાં રહેતા અને કોલેજમાં ડીપ્લોમાં અભ્યાસ કરતા 19 વર્ષના યુવક તા. ૨૦ ના રોજ સવારે મામાનું એક્ટિવા લઇને કોલેજ પરીક્ષા આપવા નીકળ્યા હતા. બાદમાં પરીક્ષા પૂર્ણ કરીને બપોરના સમયે પરત આવી રહ્યા હતા ત્યારે નિકોલ ભક્તિ સર્કલ ચાર રસ્તા ઉપર એક બાઇક ચાલક અચાનક આવતા એક્ટિવા અને બાઇક વચ્ચે અકસ્માત થતા યુવકને ગંભીર ઇજાઓ થતા બેભાન અવસ્થામાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન યુવકનું મોત થયું હતું.
બીજા બનાવમાં ઓઢવમાં અને વેપારી મહામંડળ ખાતે મજૂરીકામ કરતા ૩૨ વર્ષના યુવક તા. ૨૨ના રોજ રાતના સમયે તેઓ અમદાવાદ-ઇંદોર હાઇવે પર વેપારી મહામંડળ પાસેથી ચાલતા પસાર થતા હતા. તે સમયે પૂરઝડપે આવી રહેલ મેક્સી ટ્રકના ચાલકે યુવકને ટક્કર મારતા તેઓ ફંગોળાઇને જમીન ઉપર પટકાતા ગંભીર ઇજાઓ પહોચી હતી. અકસ્માતને પગલે આસપાસના લોકો ભેગા થઇ જતા ટ્રક ચાલક ટ્રક મૂકીને ફરાર થઇ ગયો હતો. ત્યારે ઇજાગ્રસ્ત યુવકને બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. આ બન્ને બનાવ અંગે ટ્રાફિક આઇ ડિવિઝન પોલીસે ગુનો નોધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.