'રુડે ગરબે રમે છે, દેવી અંબિકા રે..' મધુર કંઠે અને શાસ્ત્રીય સંગીતના સૂરે યુવાનો ગરબે ઝુમ્યા
રાજકોટ શહેર કક્ષાની રાસ-ગરબા સ્પર્ધાની પૂર્ણાહુતિ
રાસ સ્પર્ધામાં કારડીયા રાજપૂત રાસ મંડળ, અર્વાચીન ગરબામાં શ્રી વૃંદ અને પ્રાચીન ગરબામાં વિરાણી સાયન્સ કોલેજ પ્રથમ ક્રમે
રાજકોટ શહેર જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી દ્વારા યોજાયેલ સ્પર્ધામાં યુવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. અહીં પ્રાચીન ગરબા, અર્વાચીન ગરબા અને રાસ મળીને ત્રણ સ્પર્ધા સંપૂર્ણરીતે પ્રાચીન ઢબે યોજવામાં આવી હતી. રાસ- ગરબાની સ્પર્ધામાં વાંસળી, ઢોલક, હાર્મોનિયમ,મંજીરા જેવા શાસ્ત્રીય વાદ્યોનું સંગીત અને સ્પર્ધકો દ્વારા મધુર અવાજમાં ગવાયેલા માતાજીના ગરબા, રાસ અને ગીતોથી વાતાવરણમાં ભક્તિરસનો ઉમેરો થયો હતો.
ભાઇઓના ડાંડિયા રાસ અને બહેનોએ દિવડા અને ગર્ભદિપ સાથે ગરબા રમીને નવરાત્રીની યાદને તાજા કરી હતી. પ્રાચીન ગરબામાં 'રુડે ગરબે રમે છે, દેવી અંબિકા રે..' , 'ઘોર અંધારી રે, રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર','માડી તારા બેસણાં ગઢ ગિરનાર..' જેવા સુંદર પ્રાચીન ગરબાની પ્રસ્તુતિ કરીને ઓડિયન્સને પણ ગરબાની તાલાવેલી લગાવી હતી.
આ શહેર કક્ષાએ રાસ સ્પર્ધામાં પ્રથમ કારડીયા રાજપૂત રાસ મંડળ, અર્વાચીન ગરબામાં પ્રથમ ક્રમાંક શ્રી વૃંદ રાજકોટ અને પ્રાચીન ગરબામાં પ્રથમ ક્રમાંક એમ.એન.વિરાણી સાયન્સ કોલેજે મેળવ્યો હતો. પ્રથમ ક્રમાંકે વિજેતા થયેલાં ત્રણ ગૂ્રપ રાજ્ય કક્ષાની રાસ-ગરબા સ્પર્ધામાં ભાગ લઇ શકશે.