ગોધરામાં ટોળાએ પોલીસ મથકે પહોંચીને ધમાલ મચાવી, મામલો થાળે પાડવા પોલીસે બળપ્રયોગ કરવો પડ્યો
Godhara News : પંચમહાલ જિલ્લાના ગોધરામાં બી ડિવિઝન પોલીસ મથક પર આજે(19 સપ્ટેમ્બર) પશ્ચિમ વિસ્તારના લોક ટોળાએ ધમાલ મચાવી હતી. મળતી માહિતી મુજબ પોલીસ એક શખસને કોઈ કેસમાં તપાસ અને પૂછપરછ અર્થે પોલીસ મથકે લાવી હતી, એ શખસે બાદમા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી હતી જેથી થોડીવારમાં પશ્ચિમ વિસ્તારના લોકો મોટી સંખ્યામાં બી ડિવિઝન પોલીસ મથક પર ધસી આવતા થોડા સમય માટે મામલો ગરમાયો હતો. જોકે સ્થિતિને પારખી જતા પોલીસ સ્ટેશનના અધિકારીએ વધારાનો પોલીસ કાફલો પોલીસ મથકે બોલાવી લીધો હતો, પરિસ્થિતિ વણશે નહીં તે માટે પોલીસ કાફલાએ ટોળાને વિખેરવાની કવાયત કરવી પડી હતી.
ઘટનાને પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા. આઇજી, એસપી, ડીવાએસપી સહિતના અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા. પોલીસે ટોળાને વિખેરવા માટે બળપ્રયોગ કરવાની અને ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હોવાની પ્રાથમિક માહિતી મળી છે. પોલીસની કાર્યવાહી બાદ હાલ મામલો થાળે પડ્યો છે.
