Gujarat

આરટીઓ દ્વારા ટેક્સ ભરપાઈ ન કરનાર માલિકોના વાહનોની હરાજી

By GS TEAM
19 Jun 20251 min read
આરટીઓ દ્વારા ટેક્સ ભરપાઈ ન કરનાર માલિકોના વાહનોની હરાજી



વડોદરા આરટીઓ દ્વારા આજરોજ ટેક્સ બાકી હોય તેવા 24 વાહનોની હરાજીની કાર્યવાહી હાથ ધરાતા રૂ.28.55 લાખની આવક થવા પામી છે. હરાજીથી પ્રાપ્ત રકમ ટેક્સમાં સરભર કરાશે. હરાજીથી કચેરીમાં જગ્યા ખુલ્લી થવા સાથે સરકારને ટેક્સના બાકી નાણાની રકમ મળતા બોજો ઓછો થયો છે.

વડોદરા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા ગુજરાત મોટર વ્હીકલ ટેક્સ એક્ટ -1958ની જોગવાઈઓના ભંગ બદલ ટ્રક, બસ ,જેસીબી સહિત 24 વાહનો જપ્ત કરાયા હતા. કચેરીના પરિસરમાં વર્ષ 2001થી વર્ષ 2016 સુધીના મોડલના આ વાહનો અંદાજે 15 - 20વર્ષથી પડ્યા હોય જગ્યા રોકવા સાથે ભંગાર થઈ રહ્યા હતા. કચેરી દ્વારા કાર્યવાહીના ભાગરૂપે હરાજી યોજાતા 129 બીડ ઓપન કરાઈ હતી. ગોધરા, સુરત ,ડાંગ સહિતના  વેપારીઓએ ભાગ લીધો હતો. હરાજીમાં વાહનોની અપસેટ વેલ્યુ રૂ. 40 હજારથી રૂ.2.15 લાખ સુધીની હતી. હરાજી થકી કચેરીને અપસેટ પ્રાઇસ રૂ.27.08 લાખની સામે રૂ.28.55 લાખની આવક પ્રાપ્ત થઈ છે. હરાજી બાદ પણ વાહનના ટેક્સની રકમ વધુ હોય તો તેવા માલિકોની મિલકત પર બોજો પણ દાખલ કરવામાં આવતો હોય છે. આરટીઓ દ્વારા ટેક્સ બાકી ધરાવતા વાહનોને ડીટેઇન કરવામાં આવે છે. જો કે, મોટાભાગના કિસ્સામાં વાહનની કિંમત કરતા બાકી ટેક્સની રકમ વધુ હોવાથી માલિકો છોડાવતા નથી. આવા વાહનો લાંબા સમય આરટીઓમાં પડી રહે છે. જેથી આવા વાહનોની હરાજીની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.