Get The App

RTE હેઠળની બેઠક અને એડમિશનના આંકડામાં ગોટાળા! જાણો સરકારે જાહેર કરેલી વિગતો

Updated: Jun 30th, 2025

GS TEAM

Google News
Google News
RTE હેઠળની બેઠક અને એડમિશનના આંકડામાં ગોટાળા! જાણો સરકારે જાહેર કરેલી વિગતો 1 - image
Representative image

Right To Education: રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ (RTE) અંતર્ગત ધોરણ 1માં નિઃશુલ્ક પ્રવેશ માટેની સરકારની ઓનલાઈન કેન્દ્રિય પ્રક્રિયા પુરી થઈ ગઈ છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામા આવ્યુ છે કે આ વર્ષે 95 હજાર બાળકોનું નામાંકન થયુ છે. પરંતુ  ત્રણ રાઉન્ડના અંતે 88 હજાર જેટલા જ પ્રવેશ કન્ફર્મ થયા છે. જો કે, ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવેલ નવા 2231 બાળકોમાંથી કેટલા બાળકોના પ્રવેશ કન્ફર્મ થયા તે પણ જાહેર કરાયુ નથી. આરટીઈની બેઠકો અને પ્રવેશના આંકડામાં પણ ગોટાળા સામે આવ્યા છે. કારણ કે પ્રક્રિયા શરૂ થવા સમયે 9741 સ્કૂલોની 93860 બેઠકો હોવાનું જાહેર કરાયુ હતું, પરંતુ ત્રીજા રાઉન્ડ સમયે 94798 બેઠકો હોવાનું જાહેર કરાયુ હતું.

જાણો શું છે મામલો

કેન્દ્ર સરકારના 2009ના રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા 2013 અમલ શરૂ કરવા સાથે આઈરટી હેઠળ રાજ્યની ખાનગી સ્કૂલોમાં રાજ્યના બાળકો માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાઈ છે. સરકાર દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ છેલ્લા 12 વર્ષમાં આરટીઈ હેઠળ નામાંકન 432થી વધીને આ વર્ષે 95 હજાર થયુ છે. એટલે કે પ્રથમ વર્ષ 432 બાળકોને પ્રવેશ ફાળવાયો હતો. ચાલુ શૈક્ષણિક વર્ષ માટેની આરટીઈની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રક્રિયા શરૂ થવાથી માંડી દરેક રાઉન્ડ અને અંતિમ તબક્કા સાથે તબક્કાવાર જાહેર કરાયેલી માહિતી મુજબ પ્રક્રિયા શરૂ થઈ છે. ત્યારે રાજ્યની 9741 ખાનગી સ્કૂલોની 25 ટકા બેઠકો મુજબ 93860  બેઠકો દર્શાવાઈ હતી. જો કે, ત્રીજા રાઉન્ડ સમયે જાહેર માહિતીમાં 94798 બેઠકો જાહેર કરાઈ હતી.

વર્ષ 2025માં રાજ્ય સરકારે આવક મર્યાદા કે જે 1.20 લાખથી 1.50 લાખ હતી તેમાં વધારો કરી 6 લાખ રૂપિયા કરવાનો મહત્ત્વનો નિર્ણય કર્યો હતો. જેના લીધે 40 હજાર જેટલી અરજીઓ વધી હતી અને આ વર્ષે કુલ 23,8916 ઓનલાઈન અરજી થઈ હતી. જેમાંથી 17,5685 અરજી મંજૂર થઈ હતી. 13,761 અરજી રિજેક્ટ થઈ હતી અને 49,470 અરજીઓ ડુપ્લિકેટ હોવા સહિતના કારણોને લીધે કેન્સલ થઈ હતી. આમ પ્રવેશ માટે લાયક કુલ 17,5685 બાળકોની અરજી સામે પ્રથમ રાઉન્ડમાં 86,274 બાળકોને પ્રવેશ ફાળવાયો હતો. બીજા રાઉન્ડમાં વધુ 7006 બાળકોને અને ત્રીજા રાઉન્ડમાં વધુ 2231 બાળકોને પ્રવેશ ફાળવાયો હતો. આમ ત્રણ રાઉન્ડમાં કુલ 95511 બાળકોને પ્રવેશ ફાળવાયો હતો. 

આ પણ વાંચો: ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ, ભારતીય મૂળના 14 ક્રૂ મેમ્બર્સ હતા સવાર, ઈન્ડિયન નેવી મદદે પહોંચી

પસંદગી મુજબની સ્કૂલ ન હોવાથી અનેક વાલીઓએ પ્રવેશ કન્ફર્મ જ ન કર્યા હોઈ બે રાઉન્ડ બાદ કુલ 85,774 બેઠકોમાં જ પ્રવેશ કન્ફર્મ થયો હતો. જેના પર 2231 ત્રીજા રાઉન્ડના પ્રવેશ ઉમેરીએ તો પણ 88 હજાર જેટલા જ પ્રવેશ કન્ફર્મ થાય, પરંતુ સરકારે જાહેર કર્યુ છે કે 95494 પ્રવેશ ફાળવાયા. 

સરકારના જણાવ્યાનુસાર, 95 હજાર નામાંકન થયુ, પરંતુ નામાંકન તે જ બાળકોનું થાય કે જેઓનો પ્રવેશ કન્ફર્મ થયો એટલે કે વાલીએ સ્કૂલે રૂબરૂ જઈને પ્રવેશ કન્ફર્મ કરાવ્યો હોય. ત્રીજા રાઉન્ડની ફાળવણી સમયે સરકારે જ જાહેર કર્યુ હતું કે 6965 બેઠકો ખાલી છે. ત્રીજો રાઉન્ડ પુરો થયા બાદ ખરેખર કેટલા પ્રવેશ થયા અને કેટલી બેઠકો ખાલી છે તે જાહેર જ કરાયુ નથી.

અત્યાર સુધી કુલ 6 લાખથી વઘુ બાળકોને 1057 કરોડની સહાય ચુકવાઈ

સરકારે જાહેર કરેલી માહિતી મુજબ 1 આરટીઈ પ્રવેશ અંતર્ગત ગણવેશ-સ્કૂલબેગ સહિતની વસ્તુઓ ખરીદવા માટે પ્રતિવર્ષ વિદ્યાર્થીદીઠ 3 હજારની સહાય ડીબીટી મારફતે ચુકવાય છે. અત્યાર સુધીમાં 6 લાખથી વધુ વિદ્યાર્થીઓને કુલ 1057 કરોડની સહાય ચુકવવામા આવી છે. જ્યારે સ્કૂલોને 2023થી લઈને 2024 સુધીમાં 3723 કોરડોની ગ્રાન્ટની ચૂકવણી કરવામા આવી છે. જેમાં 2665 કરોડ ફી રીએમ્બર્સ પેટે અને વિદ્યાર્થી સહાય પેટે 1057 કરોડ રૂપિયાની ચુકવણી થઈ છે. વર્ષ 2024માં સૌથી ઓછી બેઠકો માત્ર 45 હજાર જ હતી અને 45 હજારથી પણ ઓછા પ્રવેશ થયા હતા.


Tags :