અમદાવાદમાં RTE પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ, 13,622 વિદ્યાર્થીઓને સીટ ફાળવાઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

RTE Admission 2026: અમદાવાદ શહેરમાં ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો માટે રાઇટ ટુ એજ્યુકેશન એટલે કે, RTE હેઠળની પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થઈ ગયો છે. આ વર્ષે અમદાવાદમાં કુલ 38,334 જેટલા ફોર્મ મંજૂર કરવામાં આવ્યા હતા, જેમાંથી 13,622 જેટલાં વિદ્યાર્થીઓને શાળાઓમાં સીટ ફાળવવામાં આવી છે. સીટ મેળવનાર આ તમામ વિદ્યાર્થીઓએ આગામી 12 તારીખ સુધીમાં પ્રવેશ લેવાનો રહેશે. ત્યારબાદ 12 તારીખ પછી ખાલી રહેલી સીટો પર બીજા રાઉન્ડની શરૂઆત કરવામાં આવશે, જેમાં વિદ્યાર્થીઓએ ફરીથી ફોર્મ ભરવાના રહેશે.
અમદાવાદમાં RTE પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ
ઉલ્લેખનીય છે કે, પ્રવેશ પ્રક્રિયાને લઈને વાલીઓ તરફથી એવી ફરિયાદો મળી રહી છે કે શાળાઓ દ્વારા વધારાના ડોક્યુમેન્ટ માંગવામાં આવે છે. આ અંગે તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે શાળાઓએ માત્ર ફોર્મમાં ભરેલી વિગતો જ ચકાસવાની રહેશે અને કોઈ વધારાના ડોક્યુમેન્ટ માંગવાના નથી. જો શાળાઓ વધારાના ડોક્યુમેન્ટ માંગીને એડમિશન આપવામાં કોઈ પણ પ્રકારની કચાશ રાખશે, તો તે બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં. વધુમાં, જો કોઈ શાળાને વાલીની આવક મર્યાદા વધુ હોવાની શંકા જણાય, તો તેમણે તે અંગે નક્કી કરેલી ચોક્કસ પદ્ધતિ મુજબ જ કાર્યવાહી કરવાની રહેશે.
13,622 વિદ્યાર્થીઓને સીટ ફાળવાઈ
આ અંગે અમદાવાદ સિટીના DEO રોહિત ચૌધરીએ જણાવ્યું કે, 'અમદાવાદ શહેરમાં 38,333 જેટલા ફોર્મ એપ્રુવ થયા હતા, જે પૈકી 14,200 બેઠકોની સામે અમે પ્રથમ રાઉન્ડમાં 13,622 વિદ્યાર્થીઓને બેઠકો ફાળવી છે. આ એલોટ થયેલા વિદ્યાર્થીઓએ 12 તારીખ સુધીમાં પોતાનો પ્રવેશ મેળવી લેવાનો રહેશે તેવી સૂચના આપવામાં આવી છે. 14,200માંથી બાકી રહેલી બેઠકો અને જે વિદ્યાર્થીઓ એડમિશન નહીં લે તેમની બેઠકો ભેગી કરીને, સરકાર અને પ્રાથમિક શિક્ષણ નિયામકની સૂચના મળે તે પ્રમાણે 12 તારીખ પછી અમે બીજો રાઉન્ડ જાહેર કરીશું.'
આ પણ વાંચો: સેવેન્થ ડે સ્કૂલ વિવાદ, રજિસ્ટ્રેશન રદ થવાના ડર વચ્ચે એડમિશન અંગે વાલીઓ અસમંજસમાં
DEOએ કહ્યું કે, 'હું શાળાઓને પણ સ્પષ્ટ કરવા માંગુ છું કે વિદ્યાર્થીઓના એડમિટ કાર્ડમાં જે ડોક્યુમેન્ટ્સ લખેલા છે, તમારે માત્ર તે જ જોવાના છે. અમને ક્યાંકને ક્યાંક એવી ફરિયાદો મળી છે કે શાળાઓ પાનકાર્ડ કે ઇન્કમ ટેક્સ રિટર્ન જેવા વધારાના ડોક્યુમેન્ટ્સ માગે છે, પરંતુ અત્યારે આવા કોઈ જ ડોક્યુમેન્ટ માગવાના નથી. 12 તારીખ સુધીમાં વાલી ડોક્યુમેન્ટ લઈને આવે એટલે તમામ બાળકોને પ્રવેશ આપવો એ શાળાની ફરજ છે અને તેમાં કોઈ પણ પ્રકારનો વિલંબ સહેજ પણ સાંખી લેવામાં નહીં આવે. હા, જો કોઈ બાળક વધુ આવકવાળું લાગે તો તેના માટે એક ચોક્કસ પદ્ધતિ છે જે મુજબ શાળાએ દરખાસ્ત કરવાની હોય છે અને કાયદેસરની કાર્યવાહી પછી થશે, પરંતુ અત્યારે કોઈ પણ શાળા ફાળવાયેલો પ્રવેશ રોકી શકશે નહીં અને તેમને ફરજિયાત પ્રવેશ આપવો જ પડશે.'









