આર.એસ.એસ.ના પ્રચારક હરિભાઈ આધુનિકનું નિધન
- વડાપ્રધાન મોદી સાથે નજીકનો નાતો ધરાવતા
- રાજકોટમાં 88 વર્ષની વયે સારવાર દરમિયાન લીધા અંતિમ શ્વાસ
જામનગર, તા. 10 ફેબ્રૂઆરી 2021, બુધવાર
વિશ્વહિંદુ પરીષદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે વર્ષોથી સંકળાયેલા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પારીવારિક નાતો ધરાવતા દ્વારકાના હરિભાઈ આધુનિકનું ૮૮ વર્ષની વયે નિધન થતા દ્વારકા વિસ્તારના રાજકીય કાર્યકરો અને આગેવાનોમાં શોકની લાગણી છવાઈ હતી.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક તરીકે સેવા આપનાર હરિભાઈ આધુનિક જનસંઘના સમયકાળ દરમિયાન જેલમાં પણ ગયા હતાં. ગુજરાતમાં વિધાનસભા, લોકસભા નગરપાલીકા કે નગરપંચાયતની ચુંટણી દરમિયાન હાથમાં થેલોલઈને દુકાને દુકાને અને ઘેર ઘેર પહોંચીને દ્વારકાધીશ મંદિરનો પ્રસાદ આપી ભાજપનું પ્રચારકાર્ય સંભાળતા હતાં. વડાપ્રધાન મોદી જયારે દ્વારકા આવતા ત્યારે હરીભાઈ આધુનિકને અવશ્ય મળતા હતાં. છેલ્લા ૨૦ વર્ષથી તેઓ દ્વારકા દેવસ્થાન સમિતિમાં પણ સદસ્ય તરીકે સેવા આપતા હતાં.
આજે રાજકોટ ખાતે સારવાર દરમિયાન તેઓએ અંતિમ શ્વાસ લીધા હતાં. આજીવન સેવાના ભેખધારી અને સંઘના પ્રચારક એવા હરિભાી આધુનિકના પાર્થિવ દેહને જામનગરના ભાજપના સાંસદ પુનમબેન માડમે પુષ્પાંજલી અર્પણ કરી ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી હતી.એજ રીતે રાજયસભાનાં સાંસદ પરિમલ નથવાણી સહીત જામનગર શહેર અને જિલ્લાનાં આગેવાનો દ્વારા શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતાં.