લૂંટની
ઘટના સીસીટીવીમાં કેદ, પોલીસે તપાસ હાથ ધરી
બેંકમાં
આધેડની રેકી કરી, બહાર નીકળતા જ રોકડ ભરેલી બેગ આંચકીને અન્ય સાગરીત સાથે બાઈક પર ફરાર થઈ
ગયા
પાટડી -
પાટડી શહેરમાં તસ્કરોએ ફિલ્મી ઢબે લૂંટની ઘટનને અંજામ આપ્યો
છે. બેંકમાં રોકડ ઉપાડી રહેલા આધેડની રેકી કરી બેંક બહાર નીકળતા જ રોકડ ભરેલી બેગ
આંચકીને અન્ય સાગરીત સાથે બાઈક પર ફરાર થઈ ગયા હતા. લૂંટની ઘટના સીસીટીવીમાં કેદ
થઇ છે. હાલ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.
પાટડી
શહેરના ભરચક વિસ્તારમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (એસબીઆઇ) શાખા પાસે લૂંટની
ઘટના સામે આવી છે. એક આધેડ વ્યક્તિ પોતાની જરૃરિયાત માટે બેંકમાંથી રૃ. ૮૫,૦૦૦ની રોકડ રકમ ઉપાડીને
બહાર નીકળ્યા હતા. આધેડ પોતાની બાઈક પર સવાર થઈને જઈ રહ્યા હતા, ત્યારે પહેલેથી જ બેંકમાં રેકી કરી રહેલા એક અજાણ્યા યુવકે તેમનો પીછો
કર્યો અને આધેડ કંઈ સમજે તે પહેલાં જ ગઠિયો નજર ચૂકવીને રોકડ રકમ ભરેલી બેગ
આંચકીને અન્ય એક સાગરીત સાથે બાઈક પર ફરાર થઈ ગયો હતો.
દિનદહાડે
બનેલી આ ઘટનાને પગલે પાટડી પંથકમાં ભય અને ચકચારનો માહોલ જોવા મળી રહ્યો છે.
લૂંટની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે કેવી
રીતે તસ્કરોએ પૂર્વ આયોજિત કાવતરું ઘડીને આધેડને નિશાન બનાવ્યા હતા. ભોગ બનનાર
દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતા,
પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બંને શખ્સોની ઓળખ કરવા અને તેમને
ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી છે.


