સુરત તા. 22 નવેમ્બર 2019 શુક્રવાર
પીપલોદના
મહાવીર ચેરીટી રાહત દરના દવાખાનાની ડેન્ટીસ મહિલા તબીબને બજાજ ફાયનાન્સ કેર
કંપનીના લોન એકઝીક્યુટીવને મોકલાવવાના બ્હાને ભેજાબાજોએ 10 રૃપિયા ટ્રાન્સફર
કરાવ્યા બાદ એક પછી એક પાંચ ટ્રાન્જેકશન થકી રૃા. 83,550
ઉપાડી લેતા આઇ.ટી એક્ટ હેઠળ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
ઉધના-મગદલ્લા રોડ સ્થિત ગાયત્રી મંદિર નજીક ચાઇના ટાઉન સોસાયટીમાં રહેતા અને પીપલોદ લેકવ્યુ ગાર્ડન નજીક સુરમ્ય શોપીંગ સેન્ટરમાં મહાવીર ચેરીટી રાહત દરના દવાખાનામાં ડેન્ટીસ તરીકે ફરજ બજવતા ડો. કોમલ પરમ રાંદેરી (ઉ.વ. 28) એ પેશન્ટ હસ્તક મળેલી જાણકારીના આધારે બજાજ ફાયનાન્સ કેર કંપનીમાંથી લોન લેવા માટે ગુગલ પરથી નંબર મેળવી 06295006047 પર સંર્પક કર્યો હતો. ઉપરોકત નંબર પર વાત કરતા ફાયનાન્સ કંપનીના એઝક્યુટીવને મોકલાવવા મોબાઇલ નંબર 9004676782 પર રૃા. 10 ટ્રાન્સફર કરવાનું કહેતા ડો. કોમલે ભીમ એપ્લીકેશન યુ.પી.આઇ પરથી પૈસા ટ્રાન્સફર કર્યા હતા અને ત્રણ કલાકમાં એકઝીક્યુટીવ આવશે એમ કહ્યું હતું. પરંતુ ત્રણ કલાક સુધી કોઇ એકઝીક્યુટીવ આવ્યો ન્હોતો. જેથી ડો. કોમલના સાથી ડો. મહેશ શાહે રીફંડ આપવા કહ્યું હતું. પરંતુ ત્યાર બાદ અચાનક જ બીજા દિવસે બેંક ઓફ બરોડાના ખાતા નંબર 36590100002697 માંથી અલગ-અલગ રકમના એક પછી એક પાંચ કુલ રૃા. 83,550 ના ટ્રાન્જેકશન થયાના મેસેજ ડો. કોમલના મોબાઇલ પર આવ્યા હતા. પોતે કોઇ ટ્રાન્જેકશ કર્યુ નહિ હોવા છતા પૈસા ઉપડી જતા તેઓ ચોંકી ગયા હતા અને તુરંત જ પીપલોદની બેંક ઓફ બરોડા શાખાના બ્રાંચ મેનેજરનો સંર્પક કરતા પે.ટી.એમ માં મોબાઇલ નંબર 7800569880 દ્વારા યુ.પી.આઇ દ્વારા પૈસા ઉપાડવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. જેથી આ અંગે ડો. કોમલે પે.ટી.એમના કસ્ટમર કેર ઉપરાંત બેંક ઓફ બરોડાના કસ્ટમર કેર નંબરમાં ફરિયાદ નોંધાવવાની સાથે ઉમરા પોલીસ મથકમાં પણ ફરિયાદ નોંધાવી હતી.

