સુરતમાં મોટા વરાછાનું મકાન વેચવાના બહાને અમરેલીના યુવાન સાથે રૂ. 75 લાખની ઠગાઈ

યુવાને મોટા વરાછા દ્વારકેશ સોસાયટીના મકાનનો સોદો મકાન માલિક વકીલ પ્રશાંત પટેલ સાથે રૂ. 1.01 કરોડમાં કરી પૈસા આપ્યા હતા : જોકે, વકીલે પત્ની વીણા અમદાવાદ હોવા છતાં તે સુરતમાં હતી તેવું બતાવી સાટાખત કરી આપી લોનનું પણ બોગસ સ્ટેટમેન્ટ આપી દસ્તાવેજ કરી આપ્યો નહોતો
સુરત,/ અમરેલી : સુરતના પાસોદરા પાટીયા ખાતે રહેતા મૂળ અમરેલીના યુવાન સાથે મોટા વરાછાનું મકાન વેચવાના બહાને રૂ. 75 લાખની ઠગાઈ કરનાર સિંગણપોર કોઝવે રોડના મકાન મલિક વકીલ, દલાલ અને નોટરી સહિત ચાર વિરૂદ્ધ ઉત્રાણ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.વકીલે પત્ની અમદાવાદ હોવા છતાં તે સુરતમાં હતી તેવું બતાવી સાટાખત કરી આપી લોનનું પણ બોગસ સ્ટેટમેન્ટ આપી દસ્તાવેજ કરી નહીં આપતા થયેલી તપાસમાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.
અમરેલી મોટા લીલીયા આંબા ગામના વતની અને સુરતમાં પાસોદરા પાટીયા પાસે નવાગામ નવકાર રેસિડન્સી ફ્લેટ નં.V/401 માં રહેતા 33 વર્ષીય અમિતભાઈ દિનેશભાઈ મંગાણી સરથાણા સીમાડા નાકા પાસે વેસ્ટર્ન પ્લાઝા કોમ્પલેક્ષમાં થીમ ઇલેઝન નામથી આઈ.ટી કંપની ધરાવે છે.તે કંપનીના જ ભાગીદાર નિતેશભાઈ ભાયાભાઈ મીર સાથે તે ભાગીદારીમાં જમીન-મકાન લે વેચનું કામ પણ કરે છે.બંનેએ સાતેક મહિના પહેલા દલાલ સુરેશભાઈ લાલજીભાઈ ભાલીયા મારફતે મોટા વરાછા સ્થિત દ્વારકેશ સોસાયટી વિભાગ-1 પ્લોટ નં. 20નો સોદો મકાન માલિક વકીલ પ્રશાંતભાઈ ધરમશીભાઈ પટેલ સાથે રૂ.1.01 કરોડમાં કર્યો હતો.બાના પેટે રૂ. 11 લાખ આપ્યા ત્યારે સાટાખત માટે વાત કરતા પ્રશાંતભાઈના પત્ની વીણાબેન અમદાવાદ રહેતા હોય સાટાખત તૈયાર કરાવી બન સાઈડ નોટરી કરાવી મોકલી આપવાની વાત થઇ હતી.તે મુજબ અમિતભાઈએ સાટાખત બનાવી મોકલ્યો હતો.
બાદમાં વીણાબેનના નામે નોટરી થયેલો સાટાખત તેમને પરત મળ્યો હતો.જોકે, નોટરી સુરતમાં થઈ હોય તે અંગે પૂછતાં વીણાબેન સુરત આવ્યા ત્યારે કરાવી હોવાનું કહ્યું હતું.મકાન પર બેંકમાં લોન હોય અને તેમાં રૂ. 71.18 લાખ ભરવાના હોય અમિતભાઈએ પ્રશાંતભાઈ અને વીણાબેનના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી મકાન પેટે કુલ રૂ. 75 લાખ ચૂકવ્યા હતા.બાદમાં જયારે બેંક લોનનું ઝીરોઝીરોનું સ્ટેટમેન્ટ માંગ્યું ત્યારે વ્હોટ્સએપ ઉપર મોકલ્યું હતું.જોકે, તેમાં એનઓસી નહોતી.તેમાં સમય લાગશે કહી દસ્તાવેજ કરી આપવા માટે પણ બહાના કાઢી તેઓ સમય પસાર કરતા હોય અમિતભાઈએ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે વીણાબેન અમદાવાદ ખાતે રહેતા હોવા છતા સુરેશભાઈ ભાલીયાએ શીતલબેન અરવિંદભાઇ વાઇવાલા મારફતે નોટરી રઘુભાઈ દેવજીભાઇ વળવી પાસે ખોટુ નોટરી કરાવ્યું હતું.તેમજ બેંકમાં તપાસ કરતા ઝીરો ઝીરોનું સ્ટેટમેન્ટ પણ બોગસ હતું. ફરિયાદ બાદ ઉત્રાણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.








