તેલ બજાર ખુલતાની સાથે ખાદ્યતેલોમાં 50નો વધારો
ભારે વરસાદથી આવકો ઘટતા મિલરોએ સામટો ભાવ વધારો ઝીંક્યો : સિંગતેલ-પામતેલમાં ડબ્બે રૂ।. 50 વધ્યા, ગુજરાતમાં આ વર્ષે ગત વર્ષ કરતા 2.75 લાખ હે.વધુ : 19.11 લાખ હે.માં મગફળીનું વાવેતર
રાજકોટ, : સાતમ આઠમના તહેવારોમાં તા. 24થી ગઈકાલ તા. 30 સુધી બંધ રહેલ તેલબજાર આજે ખુલતાવેંત તેલમિલરોએ સપ્તાહનો એક સામટો ભાવ વધારો ઝીંકી દીધો છે. પ્રતિ 15 કિલો સિંગતેલના ડબ્બાના ભાવ રૂ।.૨૫૮૫-૨૬૩૫માં રૂ।.૫૦નો વધારો ઝીંકાતા આજે રૂ।. 2635- 2685એ ભાવ પહોંચ્યા હતા.
વેપારી સૂત્રો અનુસાર ગત સપ્તાહમાં અતિ ભારે વરસાદના પગલે તેમજ તહેવારોને લીધે મગફળીની આવકમાં ઘટાડો નોંધાયો છે અને ભારે વરસાદથી પાકને નુક્શાન કેટલું તે અંગે સવાલો જન્મ્યા છે જેના પગલે ભાવ વધારાની શક્યતા છે. સિંગતેલની સાથે પામતેલમાં પણ રૂ।. 50નો ભાવ વધારો થતા નવા ભાવ રૂ।.1580- 1585એ સોદા થયા હતા. જ્યારે કપાસિયા તેલના ભાવ રૂ।. 20વધીને રૂ।.થયો હતો.
ઉલ્લેખનીય છે કે ઈ.સ. 2023 -24માં ગુજરાતમાં મગફળીનું 46 લાખ ટનનું મબલખ ઉત્પાદન થયું છે. આ વર્ષે તો ગત વર્ષ કરતા પણ 2.75 લાખ હેક્ટરમાં વધારે વાવેતર થયું છે, એટલે કે આજ સુધીમાં 19.11 લાખ હેક્ટરમાં મગફળી વવાઈ છે જે ગત વર્ષે 16.35 લાખ હેક્ટરમાં વાવેતર હતું. બીજી તરફ, માર્કેટ યાર્ડમાં હાલ કપાસ,મગફળી સહિતની હરાજી બંંધ છે, માર્કેટ યાર્ડો તા. 2 સોમવાર સુધી બંધ રહેશે. યાર્ડ બંધ થયા ત્યારે રાંધણછઠના દિવસે મગફળીના ભાવ રૂ।. 1050-1215ની નીચી સપાટીએ હતા. સૌરાષ્ટ્રમાં આ વખતે જન્માષ્ટમી પહેલા જ મગફળી અને કપાસની આવકો શરૂ થઈ ગઈ છે, રાજકોટ યાર્ડમાં તા.૨૦ ઓગષ્ટે કપાસ,મગફળીની આવકના શ્રીગણેશ થયા હતા અને મુહુર્તના ભાવ મગફળીના રૂ।.. 1051 અને કપાસના રૂ।. 1611 મળ્યા હતા.જો ઋતુ અનુકૂળ રહે તો નવરાત્રિ સુધીમાં મગફળી,કપાસથી યાર્ડો છલોછલ ઉભરાવા લાગશે.