શેર માર્કેટમાં ટ્રેડિંગ કરી વધુ નફાની લાલચ આપી રૂા. 49 લાખની ઠગાઇ
મેટોડાની ખાનગી કંપનીના કર્મચારી દ્વારા ફરિયાદ
વોટસએપમાં શેર માર્કેટમાં ટ્રેડિંગની ટીપ્સ આપ્યા બાદ વેબ લિંક મારફતે એકાઉન્ટ બનાવી ફ્રોડ કર્યું, ત્રણ અજાણ્યા બેન્ક ખાતાંધારકો સામે ગુનો
સાયબર ક્રાઇમ પોલીસે આ મામલે રાજીવ મિશ્રાની ફરિયાદ પરથી અલગ-અલગ બેન્કનાં ત્રણ અજાણ્યા ખાતાધારકો સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
રાજીવભાઈએ પોલીસને જણાવ્યું કે ત્રણ માસ પહેલા તેના વોટ્સએપમાં અજાણ્યા શખ્સે તેને વોટ્સએપનાં એક ગુ્રપમાં એડ કર્યા હતાં. જે ગુ્રપમાં શેર માર્કેટમાં ટ્રેડિંગ, બ્લોક ચેઇન અને આઈપીઓ વગેરેમાં ટ્રેડિંગ બાબતેની માહિતી શેર કરવામાં આવતી હતી. બે-ત્રણ અઠવાડિયા માહિતી જોતાં ગુ્રપનાં સભ્યો પ્રોફીટ કરેલ બાબતોની માહિતી શેર કરતાં હતાં. ત્યારબાદ વોટ્સએપમાં અજાણ્યા નંબર પરથી કોલ આવતાં કોલ કરનાર દ્વારા જણાવવામાં આવેલ આધાર કાર્ડ સહિતના ડોક્યુમેન્ટ તેને આપ્યા હતાં.
ત્યારબાદ તેને એક વેબલિંક પર તેના મોબાઇલ નંબર પરથી એકાઉન્ટ બનાવી અપાયું હતું અને નાણાં ટ્રેડિંગ કરવા અને બે ગણો નફો આપવાનું જણાવાયું હતું. ત્યારબાદ તેને શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરવાનું જણાવી બેન્ક એકાઉન્ટની માહિતી આપતાં બેન્ક મારફતે રકમ આરટીજીએસથી જમા કરી હતી. આ ટ્રાન્જેકશનનો સ્ક્રીન શોર્ટ તેણે આરોપીને મોકલતાં ટ્રાન્જેકશન કરેલી રકમ તેના એકાઉન્ટમાં જમા થઇ ગઇ હતી. ત્યારબાદ અજાણ્યા આરોપી વોટ્સએપ કોલ અને મેસેજ કરી ટ્રેડિંગ માટે ક્યા શેર ખરીદવા છે અને તે ક્યારે વેચવાના કહેતો હતો.
આ લિંકથી બનાવેલ એકાઉન્ટમાં ટ્રેડિંગ કરવા માટે એક કોડ અપાયો હતો. જે એપ્લાય કરીને શેરની ખરીદી કરી શકાતી હતી. આ બાબતની માહિતી પણ વોટ્સએપ ઉપર જ આવતી હતી. અજાણ્યા શખ્સે પોતાનું નામ મેઘલ શાહ હોવાનું જણાવ્યું હતું. તેણે અલગ-અલગ બેન્ક એકાઉન્ટ રૂા. ૪૯.૮૦ લાખ ટ્રેડિંગ માટે જમા કરાવ્યા હતાં. જે નાણાં પરત મેળવવા તેના એકાઉન્ટમાં વિડ્રો રિકવેસ્ટ નાખી હતી. પરંતુ અજાણ્યા શખ્સે વોટ્સએપમાં મેસેજ કરી પ્રોફેશનલ ફી ભરવાનું જણાવતાં ફ્રોડ થયાની શંકા જતાં સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.