સુઘડ ગામેં બંધ બંગલાના ધાબાનો દરવાજો તોડી ૪૪.૯૦ લાખની ચોરી

ગ્રામ્ય વિસ્તારમાં ફરી તસ્કરોએ દેખા દીધી
પરિવાર વતનમાં પ્રસંગમાં ગયો ત્યારે ૨૮.૫૦ લાખ રોકડ અને સોના-ચાંદીના દાગીના લઈ તસ્કરો ફરાર ઃ પોલીસની તપાસ
ગાંધીનગર : ગાંધીનગરના સુઘડ વિસ્તારમાં આવેલા શિખર બંગ્લોઝમાં તસ્કરોએ કળા કરી છે. પરિવાર ઘર બંધ કરીને બહારગામ ગયો હોવાની તક ઝડપી અજાણ્યા તસ્કરોએ ધાબાના દરવાજા વાટે ઘરમાં પ્રવેશી કુલ ૪૪,૯૦ લાખની મોટી ચોરી કરી હોવાની ફરિયાદ ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. જેનાં પગલે પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ચોરીની ઘટનાઓ વધી રહી છે ત્યારે આ વખતે તસ્કરોએ સુઘડ ગામમાં આવેલા શિખર બંગલોઝને નિશાન બનાવ્યું હતું. જે ઘટના સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે મૂળ માણસાના બિલોદરા ગામના વતની અને હાલ સુઘડના શિખર બંગ્લોઝ મકાન નં. ૨૧માં રહેતા નિવૃત્ત મણીભાઈ બેચરદાસ પટેલે આ અંગે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તારીખ ૧૩ માર્ચના રોજ તે અને તેમના પત્ની વતનમાં મિત્રના પ્રસંગમાં ગયા હતા, જ્યારે તેમનો પુત્ર કૃણાલ તેના પરિવાર સાથે સુરત ગયો હતો. જે ત્યાંથી પરત આવીને તરત માણસા આવવા માટે નીકળી ગયો હતો. દરમિયાનમાં પાડોશમાં રહેતા પરિવારની પુત્રવધુએ ફોન કરીને જાણ કરી હતી કે સોસાયટીના મકાન નંબર ૨૨માં બારીનો સળીયો તોડીને ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેથી મણીભાઈ અને પરિવારજનો ચિંતામાં મુકાયા હતા અને તેમના ઘરની ચાવી લઈને તપાસ કરવા કહ્યું હતું. ઘરમાં તપાસ કરતાં બીજા માળે સામાન અસ્તવ્યસ્ત હાલતમાં હતો. જેના પગલે પરિવાર તુરંત જ ઘરે આવી ગયો હતો અને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તસ્કરોએ ત્રીજા માળના ધાબાનો દરવાજો બળપ્રયોગ કરી તોડયો હતો અને બીજા માળે આવેલા બેડરૃમના કબાટની સેફ તોડી ચોરી કરી હતી. કબાટમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડા રકમ મળીને કુલ ૪૪.૯૦ લાખ રૃપિયાની ચોરી થઇ હોવાનું બહાર આવ્યું હતું. જેથી આ ઘટના અંગે અડાલજ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને ચોરીનો ગુનો દાખલ કરીને ફરાર થઈ ગયેલા તસ્કરોને પકડી પાડવા દોડધામ શરૃ કરે છે.









