Gujarat

ડ્રાયફ્રૂટના ધંધામાં ઊંચા વળતરની લાલચ આપી રૂા. 26 લાખ ચાઉં કરી ગયા

By GS TEAM
27 Feb 20262 mins read
ડ્રાયફ્રૂટના ધંધામાં ઊંચા વળતરની લાલચ આપી રૂા. 26 લાખ ચાઉં કરી ગયા

શરૂઆતમાં વળતર આપી વિશ્વાસ સંપાદન કરી શીશામાં ઉતાર્યા : રેડીમેઇડ કપડાના વેપારીએ પોતાને ત્યાં સેલ્સમેન તરીકે નોકરી કરી ગયેલા શખ્સ અને તેના ભાગીદાર સામે ફરિયાદ નોંધાવી

રાજકોટ, : ડ્રાયફ્રૂટના ધંધામાં સારા વળતરની લાલચ આપી ધર્મેશ બળવંતભાઈ વિઠ્ઠલાણી (ઉ.વ. 49, રહે. સવન સિમ્ફોની, રૈયા રોડ) સાથે આરોપીઓ શબ્બીરહુસેન મહમદ કાસમાણી (રહે. ભગવતીપરા) અને આસીફ લાખાણી (રહે. સુભાષનગર શેરી નં. 8, આમ્રપાલી ટોકીઝ પાછળ)એ રૂા. 25.75 લાખની ઠગાઇ કર્યાની ફરિયાદ ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાઇ છે.

હનુમાન મઢી પાસે જીલ ફેશન નામની  દુકાન ધરાવતા ધર્મેશભાઈએ ફરિયાદમાં જણાવ્યું છે કે સાતેક વર્ષ પહેલા શબ્બીરહુસેનને નોકરીએ રાખ્યો હતો. 3 વર્ષ સુધી સેલ્સમેન તરીકે રહ્યા બાદ નોકરી છોડી દીધી હતી. ત્યાર પછી તેણે 2022માં આસીફ સાથે ભાગીદારીમાં ધર્મેન્દ્ર રોડ પર ફાઇવસ્ટાર નામની પેઢી શરૂ કરી ડ્રાયફ્રૂટનો ધંધો શરૂ કર્યો હતો. તેના એકાદ વર્ષ બાદ બંને આરોપીઓએ તેને પોતાના ધંધામાં સારો નફો મળશે તેમ કહી રોકાણ કરવાનું કહ્યું હતું.

જેથી તેણે શરૂઆતમાં રૂા. 20 લાખનું રોકાણ કર્યું હતું. આરોપીઓએ બાદમાં દાણાપીઠમાં કેનીશ ડ્રાયફ્રૂટ નામની પેઢી શરૂ કરી હતી. તેને રોકાણ સામે રૂા. 1 લાખનું વળતર આપી રકમ પરત કરી દીધી હતી. 2024માં ફરીથી રૂા. 20 લાખ આપ્યા હતાં. ત્રણ મહિનામાં રૂા. 2 લાખના વળતર સાથે રૂા. 22 લાખ પરત આપી દીધા હતાં. આ પછી પણ તેને રોકાણ કરવાનું કહ્યું હતું. પરંતુ નવું ઘર લીધું હોવાથી ના પાડી હતી. 

ગત વર્ષે શબ્બીરે તત્કાળ પેમેન્ટ કરવાનું છે તેમ કહેતા રૂા. 10 લાખ આપ્યા હતાં. તેના પછી વધુ રૂા. 5 લાખ આપ્યા હતાં. જે રકમ બે-ત્રણ દિવસમાં આપી દેવાનું કહ્યું હતું. ઉઘરાણી કરતાં બહાના બતાવ્યા હતાં. ફરીથી રૂા. 20 લાખનું રોકાણ કરવાનું કહ્યું હતું. આખરે તેણે રૂા. 20 લાખ પણ આપી દીધા હતાં. જેના વળતર તરીકે રૂા. 25,000નો હપ્તો આપતા હતા. આ રીતે રૂા. 25,000 ના 17 હપ્તા અને રૂા. દોઢ લાખનો એક હપ્તો એમ રૂા. 5.75 લાખ જમા કરાવ્યા હતાં. 

થોડા દિવસ બાદ શબ્બીરે ફરીથી તેની પાસે રૂા. 5 લાખની માગણી કરતાં તે રકમ પણ આપી હતી. આ રીતે કુલ રૂા. 40 લાખ આપ્યા હતા. બાદમાં શબ્બીર ફરાર થઇ ગયો હતો. તેના ભાગીદાર આસીફ સાથે મીટીંગ કરી હતી. તે વખતે તેણે શબ્બીરનો ફોન બંધ આવતો હોવાનું કહ્યું હતું. આ રીતે કુલ તેના રૂા. 25.75 લાખ ઓળવી ગયા હતાં.