Get The App

વડોદરાના ૫ લાખ ગ્રાહકોના વર્ષોથી વિવિધ બેન્કોમાં પડી રહેલા રૃા.૨૫૦ કરોડ

વર્ષો સુધી ડિએક્ટિવ બેન્ક એકાઉન્ટોમાં જમા રકમના સાચા વારસદારો રકમ મેળવવા માટે હકદાર

Updated: Nov 13th, 2025

GS TEAM

Google News
Google News
વડોદરાના ૫ લાખ ગ્રાહકોના વર્ષોથી વિવિધ બેન્કોમાં પડી રહેલા રૃા.૨૫૦ કરોડ 1 - image

વડોદરા, તા.13 વડોદરા શહેર તેમજ જિલ્લાની વિવિધ બેંકોમાં છેલ્લા ૧૦ વર્ષ તેમજ તેના કરતા વધુ વર્ષોથી કોઇ દાવેદાર ના હોય તેવી અનક્લેમ્ડ એમાઉન્ટોનો આંક મોટો છે. વર્ષોથી આ બેન્ક એકાઉન્ટો ઓપરેટ ના થયા હોવાથી આ રકમો બેંકોએ રિઝર્વ બેન્કના ખાસ ફંડમાં જમા કરાવી દીધી છે.

એક અંદાજ મુજબ વડોદરા શહેર અને જિલ્લાની સહકારી તેમજ નેશનલાઇઝ્ડ અને ખાનગી બેંકોમાં અન ક્લેમ્ડ રકમનો આંક રૃા.૨૫૦ કરોડથી પણ વધારે છે. આ રકમના કોઇ દાવેદાર નથી. આ રકમ બેંકમાં છોડી દીધા બાદ ભૂલી ગયા  હોય અથવા કોઇ કારણસર પરત લીધી ના હોય તેવા ૫ લાખ ગ્રાહકો છે તેવો અંદાજ છે. મોટી સંખ્યામાં બેંક ગ્રાહકોની કરોડોની રકમ વર્ષો સુધી ડિએક્ટિવ બેંક એકાઉન્ટમાં પડી રહી છે તે રકમ સાચા વારસદારો મેળવવા માટે પ્રયત્નો કરી રહ્યા છે.

અનક્લેમ્ડ બેંક ડિપોઝિટો એટલે કે દાવા વગરની થાપણો એવા ખાતા કે ૧૦ વર્ષ કે તેના કરતા વધારે સમયથી તે ખાતામાં કોઇ લેવડદેવડ ના થઇ હોય. વડોદરામાં પાંચ લાખ ગ્રાહકોની અઢીસો કરોડથી પણ વધુ રકમની ડિપોઝિટ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ડિપોઝિટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ (ડીઇએ) ફંડમાં ટ્રાન્સફર થઇ ગઇ છે.

વડોદરા શહેર અને જિલ્લાની આશરે ૪૩ બેન્કોમાં કોઇ વ્યક્તિગત ખાતેદાર હોય અથવા કોઇ સંસ્થા તેમજ મંદિરના પૂજારીના નામે એકાઉન્ટ હોય તેવા ગ્રાહકોની ડિપોઝિટ વર્ષોથી જમા છે. કેટલીક ડિપોઝિટ તો સરકારી પણ છે. આ રકમ ખાતેદારો અથવા તેમના વારસદારોને પરત મળે તે માટે  રિઝર્વે બેન્ક દ્વારા દરેક જિલ્લાઓમાં જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરામાં આવતીકાલે પંડિત દીનદયાલ ઉપાધ્યાય નગરગૃહ ખાતે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

બેન્કોની જેમ પીએફમાં પણ અનક્લેમ્ડ રકમ જમા

રોકાણ કરનારા ગ્રાહકોની રકમ માત્ર બેન્કોમાં જ નહી પરંતુ એલઆઇસી તેમજ પીએફમાં પણ મોટી રકમ અનક્લેમ્ડ પડેલી છે. પીએફ એકાઉન્ટોમાં વર્ષોથી પડી રહેલી મોટી રકમ પરત મેળવવા માટે કર્મચારીઓ ધક્કા ખાઇને થાકી જાય છે પરંતુ તે રકમ પરત મળતી નથી. અગાઉના કડક નિયમોના કારણે આ રકમ પીએફમાં જ પડી રહી છે. કર્મચારીઓ પોતાના પગારમાંથી રકમ કપાવ્યા બાદ તે રકમ પરત મળતી ના હોવાની પણ ફરિયાદો ઉઠતી હોય છે.

ખાતું ડોરમેટ અને બાદમાં ડિએક્ટિવ થઇ જાય છે

બેન્કોના નિયમ મુજબ નિશ્ચિત મહિનાઓ સુધી જો એકાઉન્ટ ઓપરેટ ના થતું હોય તો તે એકાઉન્ટ ડોરમેટ થઇ જતુ  હોય છે. આ એકાઉન્ટને ફરી ઓપરેટ કરાવવા માટે કેવાયસી સહિતની પ્રક્રિયામાંથી ગ્રાહકોઓ પસાર થવું પડે છે. જ્યારે ૧૦ વર્ષ કે તેના કરતા વધારે સમય સુધી એકાઉન્ટમાં કોઇ લેડવદેવડ ના થઇ હોય તો તે રકમ બેન્કમાંથી રિઝર્વે બેન્કના ખાસ ફંડમાં જમા થઇ જાય છે.