Get The App

અમરેલી સેશન્સ જજના PA હોવાની ઓળખ આપીને રૂ. 2 લાખ તફડાવ્યા

Updated: Dec 26th, 2025

GS TEAM

Google News
Google News
અમરેલી સેશન્સ જજના PA હોવાની ઓળખ આપીને રૂ. 2 લાખ તફડાવ્યા 1 - image

જેતપુર પંથકના યુવાન સાથે સિફતપૂર્વક છેતરપિંડી : કોર્ટમાં ડ્રાઈવરની નોકરી અપાવવાની લાલચ બતાવી રૂપિયા લઈ નકલી નિમણૂક પત્ર પણ પધરાવી દીધો !

અમરેલી, : અમરેલી જિલ્લામાં સરકારી નોકરી અપાવવાના બહાને છેતરપિંડી કરતી ટોળકીઓ સક્રિય થઈ હોય તેમ વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક શખ્સે પોતાની ઓળખ અમરેલી ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજના પી.એ. તરીકે આપીને જેતપુરના એક યુવકને કોર્ટમાં ડ્રાઈવર તરીકેની નોકરી અપાવવાની લાલચ આપી રૂ. 2.03 લાખની છેતરપિંડી આચર્યાની ફરિયાદ થઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ જેતપુર તાલુકાના ખજુરી ગુંદાળા ગામના અને ખેતીકામ કરતા નિકુંજ કડવાભાઈ બુટાણી (ઉ.વ. 27) નામના યુવકની મુલાકાત બગસરાના માવજીંજવા ગામના પ્રકાશ ઉર્ફે બાબુ રવજીભાઈ દાફડા સાથે થઈ હતી. પ્રકાશે પોતાને સરકારી કર્મચારી ગણાવી એવો દાવો કર્યો હતો કે, તે અમરેલી ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજનો પર્શનલ આસિસ્ટન્ટ છે. તેણે વધુમાં જણાવ્યું હતું કે હાલ તે વિવિધ કોર્ટના મોનિટરિંગનું કામ કરે છે અને હાલમાં અમરેલી કોર્ટમાં ડ્રાઈવરની ભરતી ચાલુ છે. જેથી નિકુંજને નોકરીની જરૂર હોવાથી આરોપીએ લાલચ આપી હતી કે, તમારૂં ભણતર ઓછું હોવા છતાં હું સેટિંગ કરીને તમને ડ્રાઈવર તરીકે લગાડી દઈશ. આ માટે રૂ.૫ લાખની માંગણી કરી હતી, પરંતુ રકઝક બાદ રૂ.૨ લાખમાં સોદો નક્કી થયો હતો. 

બાદમાં યુવાને વિશ્વાસમાં આવીને ગૂગલ પે મારફતે કુલ રૂ. 2,03,00 આરોપીના ખાતામાં જમા કરાવ્યા હતા. આરોપીએ 30 દિવસમાં ઓર્ડર મળી જશે તેવો વાયદો કર્યો હતો. ત્યારબાદ બગસરા બોલાવીને યુવકને એક નિમણૂક પત્ર આપ્યો હતો, જેમાં અમરેલી ડિસ્ટ્રિક્ટ કોર્ટના રજિસ્ટ્રારની ડિજિટલ સહી હતી. ગત 8 સપ્ટેમ્બરના રોજ જ્યારે યુવક આ ઓર્ડર લઈને અમરેલી કોર્ટમાં હાજર થવા પહોંચ્યો, ત્યારે ત્યાંના રજિસ્ટ્રાર દ્વારા તપાસ કરવામાં આવતા જાણવા મળ્યું હતું કે આવી કોઈ ભરતી જ થઈ નથી અને આ ઓર્ડર સંપૂર્ણપણે બનાવટી છે. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું સમજાતા બગસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.