જમીન ખરીદવા માટે આપેલા રૂ. 2.65 કરોડ એડવોકેટ સહિત 2 ઓળવી ગયા
રાજકોટના જમીન- મકાનના ધંધાર્થીએ ફરિયાદ નોંધાવી : રૂ. 1 કરોડની રકમનું ખોટુ RTGS કર્યું, ઉઘરાણી કરતાં આપેલા ચેક પણ રિટર્ન થયા
રાજકોટ, : રાજકોટના કોઠારીયા રોડ પરની આસોપાલવ સોસાયટી શેરી નં. 2માં રહેતા અને જમીન મકાન લે-વેચનુ કામ કરતા દિનેશભાઈ ઠાકરશીભાઈ કુંજડિયા (ઉ.વ. 40)એ લાતી પ્લોટની જમીન ખરીદ કરવા માટે આપેલા રૂ. 2.65 કરોડ એડવોકેટ જીજ્ઞોશ બાલકૃષ્ણભાઈ શાહ અને અમદાવાદનો દેવલ શાહ ઓળવી ગયાની ગાંધીગ્રામ-2 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
જેમાં દિનેશભાઈએ જણાવ્યું છે કે 2022નાં સપ્ટેમ્બર માસમાં લાતી પ્લોટમાં આવેલી જમીન ખરીદવા માટે મિત્ર ગભરૂભાઈ બોળિયા સાથે અયોધ્યા ચોકમાં ટાઇમ્સ સ્કવેર બિલ્ડિંગમાં ઓફિસ ધરાવતા જીજ્ઞોશ શાહને મળ્યા હતાં. જેણે કહ્યું કે લાતી પ્લોટની જમીન રાજ રાધે ફાયનાન્સની છે. જેની ઓફિસ અમદાવાદમાં છે. જમીન જોઇતી હોય તો હું રૂ. 2.50 કરોડમાં કરાવી આપીશ. મારી વકીલ તરીકેની ફી રૂ. 25 લાખ થશે. ત્યાર પછી જીજ્ઞોશ શાહ સાથે રાજ રાધે ફાયનાન્સની અમદાવાદમાં શ્યામલ રો-હાઉસ ખાતે આવેલી ઓફિસમાં દેવલ શાહને મળ્યા હતાં. જેણે જમીનનું પેમેન્ટ જીજ્ઞોશ શાહ કહે તે રીતે આપી દેવાનું કહ્યું હતું. સાથોસાથ કહ્યું કે જીજ્ઞોશ શાહ અમારી ફાયનાન્સના લીગલ એડવાઇઝર છે. તે જ તમને ફાયનાન્સનું ઇ-હરાજી ફોર્મ આપશે. રાજકોટ આવ્યા બાદ જીજ્ઞોશ શાહ રાજ રાધે ફાયનાન્સની જમીનનું ઇ-હરાજી ફોર્મ બતાવ્યું હતું. જેમાં રૂ. 2.50 કરોડ લખ્યા હતાં. નીચે જે.બી. શાહનો અંગ્રેજીમાં સિક્કો મારેલો હતો. તેણે જમીનની રકમ પોતાના બેન્ક એકાઉન્ટમાં જમા કરાવવાનું કહેતાં તેણે આરટીજીએસથી અને રોકડ મળી કુલ રૂ. 1.91 કરોડ જીજ્ઞોશ શાહને ચૂકવી દીધા હતાં.
એક મહિનામાં જમીનના દસ્તાવેજ થઇ જશે તેવી વાત કરી હતી. પરંતુ આ મુદતમાં દસ્તાવેજ નહી આવતા અમદાવાદમાં રાજ રાધે ફાયનાન્સની ઓફિસે દેવલ શાહને મળ્યા હતાં. તે વખતે તેણે કહ્યું કે તમે રકમ પૂરી કરી આપો એટલે અમે દસ્તાવેજ કરી આપશું. જેની સામે તેણે કહ્યું કે તમારા લીગલ એડવાઇઝર જે.બી. શાહને અમે રકમ ચૂકવી આપી છે. આ વાત સાંભળી દેવલ શાહે કહ્યું કે જીજ્ઞોશ શાહ અમારા લીગલ એડવાઇઝર નથી. તમારી કોઇ રકમ જમા થઇ નથી. લાતી પ્લોટ વિસ્તારની જમીન રૂ. 2.50 કરોડમાં નહીં પરંતુ રૂ. 3 કરોડમાં હરાજી કરવાની છે. ત્યાર પછી જીજ્ઞોશ શાહને મળતાં તેણે ગોળ-ગોળ જવાબ આપ્યા હતાં. સાથોસાથ કહ્યું કે આપણે રાજ રાધે ફાયનાન્સની ઓફિસે અમદાવાદ ખાતે રૂબરૂ જશું. નક્કી થયા મુજબ તેની સાથે ગયા હતાં. પરંતુ ત્યાં જીજ્ઞોશ શાહે ઓફિસની બહાર બેસાડી રાખી કોઇની સાથે મુલાકાત કરાવી ન હતી. બહાર આવી કહ્યું કે તમારા પૈસા ફાયનાન્સવાળા ખાઇ ગયા છે, હું રાજકોટ પહોંચીને તમારા પૈસા પરત આપી દઇશ. આ પછી તેણે રૂ. 77 લાખના ચેક આપ્યા હતાં. જે રિટર્ન થયા હતા. પૈસા માંગતા અલગ-અલગ વાયદાઓ કર્યા બાદ રૂ. 1.05 કરોડ આરટીજીએસથી ટ્રાન્સફર કર્યાના ફોટા વોટ્સએપમાં મોકલ્યા હતાં. પરંતુ વિશ્વાસ નહીં આવતા બેન્કે જઇ રૂબરૂ તપાસ કરતાં બેન્કે આવું કોઇ આરટીજીએસ નહી ંકર્યાનું જણાવ્યું હતું. પૈસાની ઉઘરાણી કરતાં તેના ભાઇ બ્રિજેશ અને હર્ષિકાબેનની માલિકીના રાધાપાર્ક રેસીડેન્સીમાં આવેલા મકાનના સાટાખત કરી આપ્યા હતાં. સાથોસાથ કહ્યું કે રૂ. 24 લાખની બેન્ક લોન ભરવાની છે. જેથી લોનની રકમ જમા કરાવવા જતાં લોન પૈકીની રૂ. 35 લાખની લોન ટોપઅપ હોવાનું જાણવા મળ્યું હતું. આ રીતે પૈસા નહીં મળતાં ફરિયાદ નોંધાવી હતી.